આઠ મહિનાથી આ ભાઈના ઓડકાર બંધ થતા જ નથી
જમતી વખતે ગળાઈ ગયેલી હવા અન્નનળીમાંથી એક મોટા અવાજ રૂપે બહાર આવે છે. આવો ઓડકાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ઘણી વાર આકળવિકળ થાય એ પણ સ્વાભાવિક છે. જોકે તમને સતત ઓડકાર આવ્યા જ કરે તો શું? બ્રિટનના માઇકલ ઓરાઇલી નામના ૬૧ વર્ષના ભાઈને વારંવાર ઓડકાર આવે છે. એક વાર ઓડકાર આવે તો જાણે હેડકી આવી હોય એમ થોડાક સમય સુધી લગાતાર ચાલ્યા જ કરે, કેમેય બંધ થતા જ નથી. બર્મિંગહૅમમાં ટ્રૅક્સી ડ્રાઇવરનું કામ કરતો માઇકલ બે સંતાનોનો પિતા છે અને દર થોડાક કલાકે તેને ચોક્કસ સમય માટે ઓડકાર આવે છે. ઘણી વાર તો સાત-આઠ મિનિટ સુધી સતત આવ્યા જ કરે. હવે તો ઓડકારનો અવાજ પણ મોટો થવા લાગ્યો છે. આવું થવાનું કારણ તેને તો નથી સમજાયું, પણ તેણે જેટલા પણ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા છે તેમને પણ સમજાતું નથી. ૨૦૨૦ના જૂન મહિનામાં તે ચા પીતો હતો ત્યારે તેને અચાનક થોડાક ઓડકાર આવ્યા ત્યારથી તેની આ મુસીબત શરૂ થઈ છે. શરૂઆતમાં તેને કલાકે એક-બે ઓડકાર આવતા હતા, હવે તો દર સાત મિનિટે મોટો ઓડકાર આવે છે. તે જ્યારે લાંબો થઈને સૂતો હોય એવી પોઝિશનમાં જ ઓડકાર અટકે છે.