એસીસ ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે મુસાફરોને બોર્ડિંગ માટે બોલાવવાની અનાઉન્સમેન્ટ થશે એની રાહ જોઈને બેસી રહ્યો, પરંતુ એવી કોઈ જાહેરાત ન થઈ.
એડ્રિઆનો એસીસ
ગુજરાતીમાં કહેવત છે કે ‘અણી ચૂક્યો ૧૦૦ વર્ષ જીવે.’ બ્રાઝિલના એડ્રિઆનો એસીસ નામનો પ્રવાસી પણ આવી જ અણી ચૂકી ગયો અને જીવી ગયો, નહીંતર સાઓ પાઉલોમાં ક્રૅશ થયેલા વિમાનનો મૃત્યુઆંક ૬૨ને બદલે ૬૩ હોત. એસીસને પણ એ જ વિમાનમાં જવાનું હતું પણ થોડો મોડો પડ્યો અને બોર્ડિંગ સ્ટાફે તેને અંદર જવા ન દીધો એટલે એડ્રિઆનો એસીસ late થયો એટલે late થતાં બચી ગયો.
થયું એવું કે એસીસ ઍરપોર્ટ પહોંચ્યો ત્યારે મુસાફરોને બોર્ડિંગ માટે બોલાવવાની અનાઉન્સમેન્ટ થશે એની રાહ જોઈને બેસી રહ્યો, પરંતુ એવી કોઈ જાહેરાત ન થઈ. પછી જ્યારે બહુ વાર થઈ ગઈ એટલે તેને લાગ્યું કે કંઈક ગફલત થઈ હશે. ભૂલ સમજાતાં તે દોડીને બોર્ડિંગ ગેટ તરફ દોડ્યો, પણ ઍરલાઇનના એક કર્મચારીએ તેને અંદર જતો અટકાવ્યો. બન્ને વચ્ચે બોલાચાલી થતાં એસીસે અકળાઈને ગુસ્સો પણ કર્યો. જોકે વિમાન-દુર્ઘટનાની જેવી ખબર પડી કે તરત જ તેણે પોતાને ફ્લાઇટમાં ચડતાં રોકનાર કર્મચારીને ગળે વળગાવી લીધો હતો. જોકે એસીસની જેમ ફ્લાઇટ ચૂકી જનારા બીજા પણ થોડા યાત્રીઓ હતા.

