સેન્ટ લુઈ શહેરની ગેસ્ટન બર્જર યુનિવર્સિટીમાં આ ઘટના બની હતી
ખાદિમ મમ્બૌપ
પશ્ચિમ આફ્રિકાના સેનેગલમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાની જગ્યાએ પરીક્ષા આપવા માટે મહિલાનો ડ્રેસ પહેર્યો હતો. હાઈ સ્કૂલ ગ્રૅજ્યુએશન એક્ઝામ આપવા માટે ચહેરો બરાબર છોકરી જેવો લાગે એની ચકાચક સજાવટ-મેકઅપ ઉપરાંત માથા પર વિગ અને હેડ સ્કાર્ફ, છાતી પર બ્રેસિયર અને લેડીઝ શૂઝ વગેરે પહેરીને બાવીસ વર્ષનો ખાદિમ મમ્બૌપ પરીક્ષાખંડમાં પહોંચ્યો હતો, કારણ કે તેની ૧૯ વર્ષની પ્રેમિકા ગૅન્ગ ડિયોમનું ઇંગ્લિશ કાચું હતું અને એકંદરે તે ભણવામાં નબળી હોવાથી તેને પાસ થવાનો આત્મવિશ્વાસ નહોતો. સેન્ટ લુઈ શહેરની ગેસ્ટન બર્જર યુનિવર્સિટીમાં આ ઘટના બની હતી.
એકને બદલે બીજાએ પરીક્ષા આપી હોવાની ઘટના દુનિયાના અનેક દેશોમાં બનતી રહી છે, પરંતુ સ્ત્રીને બદલે પુરુષ પરીક્ષા આપે એવું જવલ્લે જ બન્યું હશે. એ પ્રેમી યુગલે ઘણા દિવસો સુધી રિહર્સલ કર્યા પછી આ પ્લાન અમલમાં મૂક્યો હતો. તેમની તૈયારી એટલી પાકી હતી કે ત્રણ દિવસ સુધી ખાદિમ ન પકડાયો. ચોથી પરીક્ષામાં એક નિરીક્ષકને શંકા જતાં તેણે તપાસ કરી અને ભોપાળું ફૂટી ગયું હતું. ખાદિમને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ સામે ખાદિમે પ્રેમપ્રકરણને કારણે અપરાધ કર્યાનું કબૂલ્યું હતું. ખાદિમ મમ્બૌપ અને ગૅન્ગ ડિયોમ બન્ને પર એક્ઝામિનેશન ફ્રૉડ અને ફૉર્જરીના આરોપ મૂકવામાં આવ્યા છે. બન્નેને પાંચ વર્ષ સુધી નૅશનલ એક્ઝામ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવે અને દોષી ઠેરવવામાં આવે તો પાંચ વર્ષ સુધીની કેદ અને/અથવા દંડ વસૂલ કરવામાં આવે એવી શક્યતા છે.

