મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પસરણી ગામમાં રહેતો કૉલેજિયન સમર્થ મહાંગડે ટ્રૅફિક જૅમથી બચવા માટે એક અનોખો ઉપાય કરીને પરીક્ષાકેન્દ્ર પહોંચ્યો હતો
પૅરાગ્લાઇડિંગ કરી ટ્રૅફિક જૅમવાળા વિસ્તાર પરથી ઊડીને કૉલેજ નજીક ઊતર્યો અને પરીક્ષા આપવા માટે હીરો-એન્ટ્રી લીધી
મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પસરણી ગામમાં રહેતો કૉલેજિયન સમર્થ મહાંગડે ટ્રૅફિક જૅમથી બચવા માટે એક અનોખો ઉપાય કરીને પરીક્ષાકેન્દ્ર પહોંચ્યો હતો. સમર્થ પરીક્ષાના દિવસે પર્સનલ કામ માટે પંચગની ગયો હતો અને ત્યાંથી તેણે પરીક્ષા આપવા કૉલેજ પહોંચવાનું હતું અને તેની પાસે માત્ર ૧૫-૨૦ મિનિટનો જ સમય બાકી હતો. વાઈ-પંચગની રોડના પસરણી ઘાટ પાસે ભારે ટ્રૅફિક હતો એટલે તેનું સમયસર કૉલેજ પહોંચવું અશક્ય હતું. પરીક્ષામાં પેપર લખવા માટે પહોંચવું જરૂરી હતું, નહીંતર તે પેપર ચૂકી જાય. જોકે ત્યારે સમર્થની મદદે આવ્યા જી. પી. ઍડ્વેન્ચર્સના ગોવિંદ યેલવે અને તેમની ટીમ. તેમણે સમર્થ પરીક્ષા આપવા સમયસર પહોંચે એ માટે તેને ઘાટ પરથી પૅરાગ્લાઇડિંગ દ્વારા ઊડીને કૉલેજ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને અનુભવી ટીમની મદદથી સમર્થ પૅરાગ્લાઇડિંગ કરી ટ્રૅફિક જૅમવાળા વિસ્તાર પરથી ઊડીને કૉલેજ નજીક ઊતર્યો અને પરીક્ષા આપવા માટે હીરો-એન્ટ્રી લીધી. સમર્થની આ હવાઈમાર્ગે પરીક્ષાકેન્દ્ર પર પહોંચવાની સફરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

