મતદાન વિશે જાગૃતિ લાવવા બિકાનેરમાં યોજાયો અનોખાે ફૂડ કાર્નિવલ
Offbeat
અનોખું ફૂડ કાર્નિવલ
લોકસભાની ચૂંટણી શરૂ થવાને આડે હવે ૧૫ દિવસ બાકી રહ્યા છે ત્યારે દેશમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ વિવિધ પ્રકારનાં અભિયાન ચલાવી રહ્યું છે. તાજેતરમાં રાજસ્થાનના બિકાનેરમાં મતદાનને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખું ફૂડ કાર્નિવલ યોજાયું હતું. બિકાનેરના મસાલા ચોક પર આયોજિત સ્વીપ ફૂડ કાર્નિવલની વિશેષતા એ હતી કે એમાં દરેક વસ્તુ એટલી વિશાળ બનાવવામાં આવી હતી કે એના પર મતદાન સંબંધિત મેસેજ લખી શકાય. જેમ કે ૪૨ કિલોની ઘેવર પર ‘મતદાન જરૂર કરો’ એવો મેસેજ લખવામાં આવ્યો હતો. અહીં ૮ કિલોનું સમોસું, પાંચ કિલોનો પીત્ઝા, ૨૦ કિલોનું બર્ગર, ૪ કિલોનું હૉટ ડૉગ, ૨૫ કિલોની બ્રેડ અને ૩૦ ઇંચનો પાપડ પીરસવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત મુલાકાતીઓને વધુ રીઝવવા માટે દોઢ ફુટની જલેબી રાખવામાં આવી હતી અને બંગાળી સ્વીટથી તિરંગો બનાવવામાં આવ્યો હતો જેના પર મતદાન પર ભાર મૂકતો સંદેશ લખવામાં આવ્યો હતો.