લંડનની મેટ્રોપૉલિટન પોલીસે બુધવારે એ આરોપોને સમર્થન આપ્યું હતું અને જન્નતનશીન થયેલા મોહમ્મદ અલ ફયાદ વિરુદ્ધ કરાયેલા જાતીય સતામણીના આરોપોની નવેસરથી તપાસ શરૂ કરી છે
અજબગજબ
ઇજિપ્તના બિલ્યનેર મોહમ્મદ અલ ફયાદ
મૂળ ઇજિપ્તના બિલ્યનેર અને જાણીતા બ્રિટિશ લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર હૅરડ્સના ભૂતપૂર્વ માલિક મોહમ્મદ અલ ફયાદ સામે મૃત્યુના દોઢ વર્ષ પછી બળાત્કારના આક્ષેપ થયા છે. એ પણ એક-બે નહીં, ૧૦૦ મહિલા પર બળાત્કાર કર્યાના આરોપ મુકાયા છે. સપ્ટેમ્બરમાં BBCની ડૉક્યુમેન્ટરી ‘અલ-ફયાદ-ધ પ્રિડેટર ઍટ હૅરડ્સ’ ઑન ઍર થયા પછી આ ચોંકાવનારી વાત બહાર આવી છે.
લંડનની મેટ્રોપૉલિટન પોલીસે બુધવારે એ આરોપોને સમર્થન આપ્યું હતું અને જન્નતનશીન થયેલા મોહમ્મદ અલ ફયાદ વિરુદ્ધ કરાયેલા જાતીય સતામણીના આરોપોની નવેસરથી તપાસ શરૂ કરી છે. એમાં અત્યાર સુધીમાં ૯૦ પીડિતાની ઓળખ થઈ છે. પ્રિન્સેસ ડાયના સાથે કાર-અકસ્માતમાં ૧૯૯૭માં મૃત્યુ પામેલા ડોડી અલ ફયાદના પિતા મોહમ્મદ અલ ફયાદે લંડનના હૅરડ્સ સ્ટોરમાં કામ કરતી પાંચ મહિલા પર બળાત્કાર કર્યો હોવાનું એ પાંચેપાંચ મહિલાએ કહ્યું હતું. ડૉક્યુમેન્ટરી જોયા પછી અને આર્ટિકલ છપાયા પછી હૅરડ્સની અનેક ભૂતપૂર્વ મહિલા કર્મચારીઓએ BBCનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે થયેલી જાતીય સતામણી વિશે કહ્યું હતું. હૅરડ્સ સ્ટોરમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલી મહિલાઓની લંડન, પૅરિસ, સેન્ટ ટ્રોપેઝ અને અબુ ધાબીમાં જાતીય સતામણી થઈ હતી. મોહમ્મદ અલ ફયાદનું ગયા વર્ષે ઑગસ્ટમાં મૃત્યુ થયું હતું. મોહમ્મદ અલ ફયાદ જીવતા હતા ત્યારે પણ આવા આરોપ મુકાયા હતા, પરંતુ એ સમયે આટલા ગંભીર આરોપ નહોતા. હૅરડ્સમાં કામ કરી ચૂકેલાં પુરુષ અને મહિલા કર્મચારીઓએ ફયાદની કાર્યપદ્ધતિ વિશે કહ્યું કે તે નિયમિત સ્ટોરના વિશાળ સેલ્સ ફ્લોર પર આવતો. પછી આકર્ષક યુવતીને પસંદ કરતો. તેને પ્રમોશન આપીને ઉપરના માળે આવેલી તેની ઑફિસમાં કામ કરવા બોલાવતો. મોહમ્મદ હૅરડ્સની ઑફિસમાં અથવા લંડનના અપાર્ટમેન્ટમાં બળાત્કાર કરતો. વિદેશ જાય ત્યારે પૅરિસમાં પોતાની માલિકીની રિટ્ઝ હોટેલમાં અને વિન્ડસર વિલા સ્થિત તેના ઘરમાં બળાત્કાર કરતો હતો.