દેશમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડે છે એ વાત આપણે વર્ષોથી જાણીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ સવાલ ઘણી વાર પુછાયો છે પરંતુ હવે આ સવાલનો જવાબ બદલાવાની તૈયારીમાં છે.
લાઇફ મસાલા
કોલોરિયાંગ
દેશમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડે છે એ વાત આપણે વર્ષોથી જાણીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ સવાલ ઘણી વાર પુછાયો છે પરંતુ હવે આ સવાલનો જવાબ બદલાવાની તૈયારીમાં છે. હવે ચેરાપુંજી નહીં પણ તિબેટની સરહદે અડીને આવેલા અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમે જિલ્લાના કોલોરિયાંગમાં સૌથી વધુ વરસાદ પડે છે. ચેરાપૂંજી પછી ત્યાંથી ૧૫ કિલોમીટર દૂર આવેલા મૌસિનરામમાં વધુ વરસાદ પડતો હતો, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં આ બન્ને શહેરમાં વરસાદ ઓછો પડે છે અને ગરમી વધી પડે છે. સપ્ટેમ્બરમાં લોકોએ છત્રી લઈને ફરવું પડતું હતું ત્યાં આ વખતે ૩૩.૧ ડિગ્રી જેટલું વિક્રમી તાપમાન નોંધાતાં લોકોએ ટોપી પહેરીને ફરવું પડ્યું હતું અને ચેરાપુંજીમાં તો લોકોને પાણીની તંગી વેઠવી પડે છે. હવામાન વિજ્ઞાની ડૉ. પ્રથમેશ હાજરા કહે છે કે ‘ચેરાપુંજી અને મૌસિનરામમાં જુલાઈથી સપ્ટેમ્બરના ૩ મહિનામાં ૨૩ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે. બે વર્ષ પહેલાં જ મૌસિનરામે ચેરાપુંજી પાસેથી ખિતાબ આંચકી લીધો હતો, કારણ કે ૨૦૨૨ની ૧૭ જૂને મૌસિનરામમાં ૨૪ કલાકમાં ૧૦૦૩.૬ મિમી વરસાદ પડ્યો હતો અને ચેરાપુંજીમાં ૯૭૨ મિમી અને હવે મૌસિનરામ પાસેથી પણ એ ખિતાબ અરુણાચલ પ્રદેશના કોલોરિયાંગે આંચકી લીધો છે. અહીં બે-ત્રણ વર્ષથી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે, પરંતુ સત્તાવાર આંકડા નોંધાયા ન હોવાથી રેકૉર્ડ સામે આવ્યો નથી એટલે સ્થાનિક અધિકારીઓએ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને હવામાન કેન્દ્ર શરૂ કરવા વિનંતી કરી છે.