કેરલાના એક બસ-કન્ડક્ટરની સિક્સ્થ સેન્સ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
દરેક વ્યક્તિ સ્વાદ, દૃષ્ટિ, ગંધ, સ્પર્શ અને શ્રવણ એમ પાંચ ઇન્દ્રિય ધરાવે છે. એના સિવાય એક સેન્સ એવી છે જેમાં વ્યક્તિને કોઈ ઘટના બનતાં પહેલાં જ એના વિશે અણસાર આવી જાય છે. આને સિક્સ્થ સેન્સ કહેવાય. ઘણા લોકોની સિક્સ્થ સેન્સ એટલી પાવરફુલ હોય છે કે તેમને કોઈ સુપરહીરો હોવાનો અનુભવ થાય છે. કેરલાના એક બસ-કન્ડક્ટરની સિક્સ્થ સેન્સ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બસ-કન્ડક્ટરે કોઈ સુપરહીરોની જેમ એક પૅસેન્જરને બસમાંથી પડતો બચાવ્યો હતો. આ ઘટનાના વાઇરલ વિડિયોમાં દેખાય છે કે બસ-કન્ડક્ટર દરવાજા પાસે ઊભો રહીને બે વ્યક્તિને ટિકિટ આપી રહ્યો છે. બસ-ડ્રાઇવરે અચાનક બ્રેક મારતાં બેમાંથી એક પૅસેન્જર દરવાજામાંથી પડવાનો હોય છે, પણ ત્યાં જ બસ-કન્ડક્ટર પાછળથી તેનો હાથ લંબાવીને તેને પડતો બચાવી લે છે.
નવાઈની વાત એ છે કે આ બસ-કન્ડક્ટરે પાછળ ફરીને વ્યક્તિ સામે જોયા વગર જ ઍવેન્જર્સ ફિલ્મના હીરોની જેમ તેનો હાથ ખેંચી લીધો હતો જાણે તેના માથાના પાછળના ભાગમાં પણ બે આંખો હોય. જો કન્ડક્ટરે પ્રેઝન્સ ઑફ માઇન્ડ બતાવ્યું ન હોત તો એ પૅસેન્જર કદાચ બસના પૈડા નીચે આવી ગયો હોત. વિડિયો પોસ્ટ કરનારે લખ્યું હતું કે કેરલાના બસ-કન્ડક્ટરે તેની ‘પચીસમી’ સેન્સનો ઉપયોગ કરીને મુસાફરને બસમાંથી પડતો બચાવ્યો. લોકોએ આ વિડિયો જોઈને બસ-કન્ડક્ટરને ‘દેસી સ્પાઇડરમૅન’ની ઉપમા આપી હતી. તો એક વ્યક્તિએ કહ્યું હતું કે આ તો રજનીકાન્તનો અવતાર છે.