પ્રતિબંધિત વિસ્તારમાં રહેતાં વાઘ સહિતનાં પ્રાણીઓની દેખરેખ રાખી શકાય એ માટે રિઝર્વમાં ઠેકઠેકાણે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, કૅમેરા-ટ્રૅપ, ડ્રોન કૅમેરા લગાવવામાં આવ્યા છે.
અજબગજબ
ઉત્તરાખંડમાં વિશ્વનું પ્રસિદ્ધ જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વ
ઉત્તરાખંડમાં વિશ્વનું પ્રસિદ્ધ જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વ છે. પ્રતિબંધિત વિસ્તારમાં રહેતાં વાઘ સહિતનાં પ્રાણીઓની દેખરેખ રાખી શકાય એ માટે રિઝર્વમાં ઠેકઠેકાણે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, કૅમેરા-ટ્રૅપ, ડ્રોન કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ કૅમેરાથી ત્યાં રહેતાં પ્રાણીઓને કોઈ વાંધો નથી, પણ રિઝર્વ નજીક રહેતી મહિલાઓને છે. હા, કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક ત્રિશાંત સિમલઈએ કરેલા સંશોધનમાં આ ફરિયાદ થઈ છે. ટાઇગર રિઝર્વની આસપાસ રહેતા લોકો પર એની કેવી અસર થઈ રહી છે એ જાણવા માટે સિમલઈએ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી સંશોધન કર્યું હતું. તેમણે દાવો કર્યો છે કે ૧૪ મહિનામાં હું કેટલીક મહિલાઓ સહિત ૨૭૦ લોકોને મળ્યો હતો. એમાં મહિલાઓ અને અન્ય લોકોએ આવી ફરિયાદ કરી હતી. આ કૅમેરાને કારણે મહિલાઓની ગુપ્તતા જળવાતી નથી. મહિલાઓ ખાનગીમાં વાતો પણ કરી શકતી નથી. મહિલાઓને જંગલમાં જતી રોકવા ડરાવાય છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૌચ માટે ગયેલી એક યુવતીનો ફોટો કૅમેરા-ટ્રૅપમાં આવ્યો હતો. એ ફોટો પછી સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો એટલે ગામવાસીઓએ કૅમેરા-ટ્રૅપ બાળી નાખીને તોફાન મચાવ્યું હતું. જોકે આ વાતને સમર્થન પણ નથી અપાયું કે પોલીસ કે અન્ય કોઈ એજન્સી પાસે આની ફરિયાદ પણ આવી નથી. આ રિપોર્ટ વાંચીને વન વિભાગે રિઝર્વના ડિરેક્ટર ડૉ. સાકેત બડોલાને તપાસ સોંપી દીધી છે, પણ રિપોર્ટ સામે સવાલ પણ કર્યા છે. ચીફ વાઇલ્ડ લાઇફ વૉર્ડન રંજનકુમાર મિશ્રા કહે છે કે મહિલાઓના અધિકાર અને તેમની ગુપ્તતાનું સન્માન સૌથી મોખરે છે, પણ આ કૅમેરા સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત વિસ્તારમાં જ બેસાડાયા છે એટલે ગુપ્તતાનું હનન થતું હોવાનો સવાલ જ ઊભો થતો નથી.