૨૦૧૬માં સાઉથ કોરિયાની હૉરર-થ્રિલર ફિલ્મ ‘ટ્રેન ટુ બુસાન’ આવી હતી. એ ફિલ્મમાં એક પછી એક યાત્રીઓ ઝોમ્બી બની જાય છે અને માણસો પર હુમલો કરે છે
અજબગજબ
જપાનની શિંકાનસેન (બુલેટ ટ્રેન)
૨૦૧૬માં સાઉથ કોરિયાની હૉરર-થ્રિલર ફિલ્મ ‘ટ્રેન ટુ બુસાન’ આવી હતી. એ ફિલ્મમાં એક પછી એક યાત્રીઓ ઝોમ્બી બની જાય છે અને માણસો પર હુમલો કરે છે. જપાનની શિંકાનસેન (બુલેટ ટ્રેન)માં પણ શનિવારે આવું જ બીક લાગે એવું બન્યું હતું. ટોક્યોથી ઓસાકા વચ્ચેનો બેથી અઢી કલાકનો રસ્તો હતો. ૪૦ જેટલા મુસાફરો બુલેટ ટ્રેનમાં બેઠા હતા. એવામાં એકાએક એક પૅસેન્જર ઝોમ્બીની જેમ પીડાથી કણસવા માંડ્યો અને આડુંઅવળું ચાલવા માંડ્યો. એ જોઈને આજુબાજુ બેઠેલા યાત્રીઓ હેબતાઈ ગયા. એ પછી તો બીજા પણ આવા મુસાફરો ઝોમ્બી બની ગયા અને આખી ટ્રેન માથે લીધી. એ અઢી કલાક મુસાફરોએ રીતસરનો ઝોમ્બી વર્લ્ડનો બિહામણો અનુભવ કરી લીધો. જોકે આ માત્ર નાટક જ હતું અને એ પણ ‘ટ્રેન ટુ બુસાન’થી પ્રેરિત હતું. ટ્રેનમાં નકલી ઝોમ્બીઓનું આખું ટોળું પહેલેથી જ બેઠું હતું. કોરોનામાં ટ્રેનમાં મુસાફરો ઘટી ગયા હોવાથી લોકોને ફરી પાટે ચડાવવા માટે બુલેટ ટ્રેનના ડબા આવા ગ્રુપને ભાડે આપવાનું શરૂ કર્યું હતું. ટ્રેનમાં રેસ્ટોરાં, બાર અને કુસ્તીની મૅચ પણ યોજાય છે. લોકો પાર્ટી કરવા માટે પણ ટ્રેનના ડબા બુક કરાવે છે.