તેઓ પોતાના કાકા સુરજિત સિંહ મજીઠિયાથી પ્રભાવિત થઈને ૧૯૪૦માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતીય વાયુસેનામાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા.
સ્ક્વૉડ્રન લીડર દલીપ સિંહ મજીઠિયા
ભારતીય વાયુસેનાના સૌથી વૃદ્ધ પાઇલટ સ્ક્વૉડ્રન લીડર દલીપ સિંહ મજીઠિયાનું સોમવારે રાતે ઉત્તરાખંડમાં ૧૦૩ વર્ષની ઉંમરે અવસાન થયું છે. સ્ક્વૉડ્રન લીડર મજીઠિયાનો જન્મ ૧૯૨૦ની ૨૭ જુલાઈએ શિમલામાં થયો હતો. તેઓ પોતાના કાકા સુરજિત સિંહ મજીઠિયાથી પ્રભાવિત થઈને ૧૯૪૦માં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતીય વાયુસેનામાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા. દલીપ સિંહ મજીઠિયા કરાચી ફ્લાઇંગ ક્લબ ખાતે જિપ્સી મોથ ઍરક્રાફ્ટ પર પાઇલટની મૂળભૂત કામગીરી શીખ્યા હતા. તેઓ ઑગસ્ટ ૧૯૪૦માં વૉલ્ટન, લાહોરમાં પ્રારંભિક ટ્રેઇનિંગ સ્કૂલમાં જોડાયા અને ત્રણ મહિના પછી તેમને શ્રેષ્ઠ પાઇલટ ટ્રોફી આપવામાં આવી હતી. ઍરફોર્સમાં ટૂંકી કારકિર્દી બાદ તેઓ ૧૯૪૭માં ભારતની આઝાદી સાથે જ નિવૃત્ત થયા હતા. જોકે તેમનો ઉડાન પ્રત્યેનો જુસ્સો ૧૯૭૯ની ૧૯ જાન્યુઆરી સુધી બરકરાર રહ્યો હતો અને તેમણે ૧૧૦૦ કલાકનો ફ્લાઇંગ રેકૉર્ડ નોંધાવ્યો હતો. તેઓ ૧૯૪૯ની ૨૩ એપ્રિલે કાઠમાંડુ ખીણમાં ઍરક્રાફ્ટ લૅન્ડ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. દલીપ સિંહ મજીઠિયાને ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ સાથે કામ કરવાની તક પણ મળી હતી.