આ ઑક્ટોપસનું વજન ૧૦ કિલોગ્રામ હોવાનું મનાય છે
Offbeat News
માછીમારી કરતી વખતે બે મીટરનો મહાકાય ઑક્ટોપસ મળી આવ્યો
ઇંગ્લૅન્ડની ડેવોન કાઉન્ટીમાં ઝિગ્ગી ઑસ્ટિન તેની દીકરી સાથે ટોર્કવેના કિનારે હોપ્સ નોઝ પર માછીમારી કરી રહ્યો હતો ત્યારે તેમને કોઈ અસામાન્ય કહી શકાય એવી વસ્તુ નજરે ચડી, જે દૂરથી જોવાથી તૂટી ગયેલી માછીમારીની જાળ જેવું દેખાયું. જોકે સમુદ્રના મોજાએ એને ઊલટાવ્યું એ વખતે એ ઑક્ટોપસ હોવાનું જણાયું હતું. ઝિગ્ગી ઑસ્ટિને તેની પાસેના સળિયાનો ઉપયોગ કરીને એને ઉપરની તરફ ખેંચતાં એ એક મહાકાય ઑક્ટોપસ હોવાનું પુરવાર થયું હતું. ઑક્ટોપસ ૧૨થી ૩૬ ઇંચ જેટલા કદનો હોય છે, પરંતુ ઝિગ્ગીને મળેલો ઑક્ટોપસ બે મીટર જેટલા કદનો હતો. જોકે આ ઑક્ટોપસ પહેલાંથી જ મરી ગયો હતો. એના શરીરની ધ્રુજારી પરથી એનું મૃત્યુ હાલમાં જ થયું હોય એમ જણાતું હતું. એમ મનાય છે કે ઑક્ટોપસનો શિકાર સીલ કરે છે. આ ઑક્ટોપસનું વજન ૧૦ કિલોગ્રામ હોવાનું મનાય છે. દરિયાઈ જીવવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વિજ્ઞાનશિક્ષક ઝિગ્ગી ફેસબુક લાઇવ પર ઑક્ટોપસનું ડિસ્ક્શન કરવા વિચારી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને નમૂનો બતાવવા ઑક્ટોપસને તેમના ક્લાસમાં લઈ જઈ શકે છે.