ખેડૂત ૩+ કરોડ રૂપિયાનું કાયમી ભરણપોષણ આપીને ૪૪ વર્ષના લગ્નજીવનમાંથી મુક્ત થયો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જે લગ્નજીવનમાંથી મન ઊઠી ગયું હોય એમાંથી બહાર નીકળવા કોઈ કઈ હદે જઈ શકે એનું ઉદાહરણ હરિયાણાના એક ખેડૂતે પૂરું પાડ્યું છે. હરિયાણાના કર્નાલ જિલ્લાનો આ કિસ્સો છે જેમાં ૭૦ વર્ષના એક ખેડૂત અને તેની ૭૩ વર્ષની પત્નીના ૪૪ વર્ષના લગ્નજીવનનો અને કોર્ટમાં ૧૮ વર્ષથી ચાલતા કાનૂની જંગનો આખરે અંત આવ્યો છે. ખેડૂતે પત્નીથી છુટકારો મેળવવા ૩.૦૭ કરોડ રૂપિયાનું કાયમી ભરણપોષણ આપ્યું છે.
આ યુગલનાં લગ્ન ઑગસ્ટ ૧૯૮૦માં થયાં હતાં. તેમને ત્રણ બાળકો થયાં: બે દીકરી અને એક દીકરો. લગ્નને વર્ષો વીતતાં ગયાં એમ બન્નેના સંબંધો બગડતા ગયા અને મે ૨૦૦૬માં તેઓ અલગ રહેવા લાગ્યાં. પતિએ માનસિક ક્રૂરતાનું કારણ આપીને ડિવૉર્સની અરજી કરી, પણ ૨૦૧૩માં કર્નાલ ફૅમિલી કોર્ટે એ ફગાવી દીધી. પતિને છૂટાછેડા જોઈતા જ હતા એટલે તેણે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં, જ્યાં તેની અરજી ૧૧ વર્ષ સુધી સડતી રહી.
ADVERTISEMENT
આખરે ગયા મહિને અદાલતે કૉમ્પ્રોમાઇઝની ફાઇનલ તક આપવા આ કેસને મધ્યસ્થી અને સમાધાન કેન્દ્રમાં મોકલ્યો, જ્યાં બન્ને પક્ષો વચ્ચે ફરી ભેગાં થવા બાબતે તો કોઈ સમાધાન ન થયું પણ એક કાયમી ઉકેલ પર તેઓ સહમત થયાં. અલગ રહેતાં પતિ-પત્ની તથા તેમનાં બાળકો લગ્નને રદબાતલ કરવા સહમત થયાં, એના બદલામાં પતિએ ૩.૦૭ કરોડ રૂપિયાનું પર્મનન્ટ ભરણપોષણ આપવાનું નક્કી થયું. આ ભરણપોષણ કૅશ, ડિમાન્ડ ડ્રાફ્ટ, સોના-ચાંદીનાં ઘરેણાંના રૂપમાં આપવાનું હતું.
આ ભરણપોષણ આપવા માટે પતિએ પોતાની જમીન વેચી જેના ૨.૧૬ કરોડ રૂપિયા ઊપજ્યા અને એ ઉપરાંત ૫૦ લાખ રૂપિયા બીજા કૅશમાં આપવામાં આવ્યા જે શેરડી અને અને અન્ય પાક વેચીને મળ્યા હતા. ૪૦ લાખ રૂપિયાની કિંમતનાં સોના-ચાંદીનાં ઘરેણાં આપવામાં આવ્યાં. બાવીસ નવેમ્બરે સાઇન કરવામાં આવેલા ઍગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું કે આ પર્મનન્ટ પેમેન્ટ હતું તથા પત્ની અને બાળકો હવે પતિની પ્રૉપર્ટી પર બીજો કોઈ દાવો નહીં કરી શકે, તેના મૃત્યુ પછી પણ નહીં.

