મેફ્ટાલમાં હાજર મેફેનામિક ઍસિડ ખતરનાક આડઅસરનું કારણ બની શકે છે
What`s-up!
પ્રતીકાત્મક તસવીર
દુખાવામાં રાહત તરીકે ઉપયોગમાં લેવાતી દવા મેફ્ટાલનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે, પરંતુ હવે એના વિશે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઇપીસી)એ મેફ્ટાલને લઈને ડ્રગ સેફ્ટી અલર્ટ ઇશ્યુ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મેફ્ટાલમાં હાજર મેફેનામિક ઍસિડ ખતરનાક આડઅસરનું કારણ બની શકે છે. મેફ્ટાલના સેવનથી ડ્રગ રીઍક્શન વિથ ઇઓસિનોફિલિયા ઍન્ડ સિસ્ટમૅટિક સિમ્પ્ટમ્સ સિન્ડ્રૉમ (ડ્રેસ) થઈ શકે છે. મેફેનામિક ઍસિડ આધારિત પેઇનકિલર મેફ્ટાલનો ઉપયોગ રુમેટૉઇડ સંધિવા, હાડકાંની બીમારી, છોકરીઓમાં પિરિયડ્સ દરમ્યાન થતો દુખાવો, સામાન્ય દુખાવો, સોજો, તાવ અને દાંતના દુખાવાની સારવાર માટે થાય છે. આઇપીસીએ એની સુરક્ષા-ચેતવણીમાં જણાવ્યું છે કે ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઑફ ઇન્ડિયા (પીવીપીઆઇ) ડેટાબેઝમાંથી મેફ્ટાલની આડઅસરના પ્રારંભિક ઍનૅલિસિસમાં ડ્રેસ સિન્ડ્રૉમનો ખુલાસો થયો છે.
ડ્રેસ સિન્ડ્રૉમ એ અમુક દવાઓને લીધે થતી ગંભીર ઍલર્જી પ્રતિક્રિયા છે. એને કારણે ત્વચા પર લાલ નિશાન દેખાય છે, તાવ આવે છે અને લસિકા ગાંઠો (લસિકા ગ્રંથિઓ) પર સોજો આવે છે. દવા લીધા પછી બેથી આઠ અઠવાડિયાં વચ્ચે આવું થઈ શકે છે.