વર્ષ ૨૦૦૯માં ૮ ફુટ અને ત્રણ ઇંચના કદ સાથે રેકૉર્ડ હાંસલ કરનાર સુલેમાનનું કહેવું છે કે તે છેલ્લાં ૧૪ વર્ષથી આ રેકૉર્ડ ધરાવે છે
Offbeat News
સુલેમાન કોસેન અને સુલેમાન અબ્દુલ સામેદ
તુર્કીનો ૪૦ વર્ષનો ખેડૂત સુલેમાન કોસેન ૮ ફુટ અને ત્રણ ઇંચનું કદ ધરાવે છે, જે માટે તે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સનું સર્ટિફિકેટ પણ ધરાવે છે. જોકે તાજેતરમાં ઘાનાના ૨૯ વર્ષના સુલેમાન અબ્દુલ સામેદનું કદ ૯ ફુટ ૬ ઇંચ જેટલું હોઈ શકે છે એવા અહેવાલને પગલે કોસેને પોતે હજી સૌથી ઊંચા કદનો રેકૉર્ડ ધરાવી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે ડૉક્ટરોએ આ કદ ઘાનાના એક ગ્રામીણ ક્લિનિકમાં માપ્યું હોવાનું જાહેર થયા બાદ આ વિવાદ વૈશ્વિક સ્તરે ચગ્યો હતો. તબીબોએ પોતાની પાસે ઊંચાઈ માપવા માટેનાં યોગ્ય ઉપકરણો ન હોવાનું જણાવી તેઓ ઊંચાઈ વિશે ચોક્કસ ન હોવાનું સ્વીકાર્યું હતું. તેમના વણચકાસાયેલા રેકૉર્ડ મુજબ સુલેમાન અબ્દુલ સામેદનું કદ ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી ઊંચું તથા તુર્કીના સુલેમાન કરતાં ૧૫ ઇંચ વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૯માં ૮ ફુટ અને ત્રણ ઇંચના કદ સાથે રેકૉર્ડ હાંસલ કરનાર સુલેમાનનું કહેવું છે કે તે છેલ્લાં ૧૪ વર્ષથી આ રેકૉર્ડ ધરાવે છે અને તે એટલી આસાનીથી આ રેકૉર્ડ અન્ય કોઈના નામે નહીં થવા દે.
જોકે સુલેમાનને ગ્રોથ ડિસઑર્ડર માર્ફન સિન્ડ્રૉમ છે, જેના કારણે તેનું કદ સતત વધતું રહે છે. તેની આ તકલીફને કારણે જ તેણે ડ્રાઇવર બનવાનું તેનું સપનું છોડી દેવું પડ્યું હતું.