આ કારનો કાફલો ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ની ઑફિસની પાછળ પહોંચ્યો હતો અને ત્યાં તેણે સ્ટન્ટ કર્યા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૨૭ વર્ષનો ગૅન્ગસ્ટર અજય કુમાર ત્રણ દિવસ પહેલાં તેની ગર્લફ્રેન્ડનો જન્મદિવસ મનાવવા માટે ૧૨ સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ્સ (SUV) લઈને નીકળ્યો હતો, પણ તેણે જે તાયફો કર્યો એ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. અજય કુમારની કાળી સ્કૉર્પિયો કાર પર બ્લૅક ટિન્ટેડ ફિલ્મ લગાવવામાં આવી હતી. તેની કાર પર લાલ-બ્લુ બત્તી પણ લગાવવામાં આવી હતી. આ તમામ ગેરકાયદે છે. તેની સાથે કારમાં ગર્લફ્રેન્ડ બેઠી હતી. તેની સાથેના કાફલાની કારને નંબર-પ્લેટ પણ નહોતી. બે કાર પર સાઇરન પણ લગાવેલું હતું અને એક કાર પર રાજકીય પાર્ટીનો ઝંડો પણ લગાવવામાં આવ્યો હતો. એમાં મોટેથી સંગીત વાગતું હતું અને અંદરના પૅસેન્જરો ડાન્સ કરી રહ્યા હતા. તેઓ એવી રીતે કાર ચલાવતા હતા કે રાહદારીઓ માટે એ જોખમી હતું.
આ કારનો કાફલો ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ની ઑફિસની પાછળ પહોંચ્યો હતો અને ત્યાં તેણે સ્ટન્ટ કર્યા હતા, હૂટર વગાડ્યાં હતાં અને વટ પાડવા માટે પોતાની પાસે રહેલાં હથિયાર હાથમાં રાખ્યાં હતાં. આ ઘટનાના તેણે વિડિયો પણ ઉતાર્યા હતા. જોકે આ ઘટના જોઈ રહેલા કોઈએ ૪૬ સેકન્ડની ક્લિપ સોશ્યલ મીડિયામાં મૂક્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આ તમાશા માટે પોલીસે અજય કુમારને મંગળવારે ઝડપી લીધો હતો. અજય કુમાર સામે ૩૦ જેટલા કેસ નોંધાયેલા છે.

