રૅર બ્રેઇન કન્ડિશનની ટ્રીટમેન્ટ માટે આ સર્જરી કરવામાં આવી હતી
Offbeat
આ બાળકની ગેલેન નસમાં ખોડ હતી
અમેરિકાના બૉસ્ટનમાં ડૉક્ટર્સની ટીમે એક બાળકની બ્રેઇન સર્જરી કરીને સૌકોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કદાચ સવાલ થાય કે બાળકની આ બ્રેઇન સર્જરીમાં એવી તે શું નવી વાત હતી. વાસ્તવમાં આ બાળકના જન્મ પહેલાં તેની બ્રેઇન સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટર્સે આ બાળકનું ઑપરેશન તે તેની માતાના ગર્ભમાં હતું એ દરમ્યાન કર્યું છે. રૅર બ્રેઇન કન્ડિશનની ટ્રીટમેન્ટ માટે આ સર્જરી કરવામાં આવી હતી. આ બાળકની ગેલેન નસમાં ખોડ હતી.
આમ તો અન્ય કન્ડિશન્સ માટે બાળકના જન્મ પહેલાં સર્જરી કરવામાં આવે છે. જોકે આ કન્ડિશન માટે આ પ્રકારની આ પ્રોસીજર પહેલી વખત કરવામાં આવી છે. આ સર્જરી માર્ચમાં કરવામાં આવી હતી. જોકે ગુરુવારે જર્નલ સ્ટ્રોકમાં એની વિગતો પબ્લિશ કરવામાં આવી હતી. આ કન્ડિશન ત્યારે ડેવલપ થાય છે જ્યારે મગજથી હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની (જે ગેલેનની નસ તરીકે ઓળખાય છે)નો યોગ્ય રીતે વિકાસ થતો નથી. બોસ્ટન ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના રેડિયોલૉજિસ્ટ ડેરેન ઓર્બાચે કહ્યું કે આ બાળકના જન્મ બાદ તેના બ્રેઇનમાં ખૂબ ઈજા અને તાત્કાલિક હાર્ટ-ફેલ થવાનો ખતરો હતો. ૧૭ માર્ચે કેન્યાટા કૉલમૅને બાળકને જન્મ આપ્યો અને હવે તે તંદુરસ્ત છે.