મહેશ અને રાહુલે પોલીસ અને પરિવારના સભ્યો તરફ પિસ્ટલ તાકી દીધી હતી. મહેશ પર કાબૂ મેળવીને પકડી લેવામાં આવ્યો હતો, પણ રાહુલ પિસ્ટલ લઈને નાસી ગયો હતો.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મંગળવારે રાતે નવ વાગ્યે ગોલા કા મંદિર વિસ્તારમાં મહેશ ગુર્જર નામના પિતાએ તેની ૨૦ વર્ષની દીકરી તનુ ગુર્જરની પોલીસ અને પંચાયતની હાજરીમાં જ દેશી બનાવટની પિસ્ટલમાંથી ગોળી છોડીને હત્યા કરી હતી. તનુનાં લગ્ન આજે થવાનાં હતાં, પણ જેની સાથે થવાનાં હતાં એના બદલે તનુ આગરાના ભીકમ ‘વિકી’ મવઈને પ્રેમ કરતી હતી અને તેઓ છ વર્ષથી રિલેશનશિપમાં હતાં. પિતાને આ મંજૂર ન હોવાથી તનુએ મંગળવારે બપોરે એક વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને આના પગલે પિતાને ગુસ્સો આવતાં તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તનુના પિતરાઈ રાહુલે પણ તેના પર ગોળીઓ છોડી હતી જેથી તે જીવતી બચે નહીં.
હત્યાના કેટલાક કલાકો પહેલાં તનુએ શૅર કરેલા બાવન મિનિટના વિડિયોમાં જણાવ્યું હતું કે ‘મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાવ લાવી રહ્યો છે, પણ હું બીજા કોઈને પ્રેમ કરું છું. હું વિકી સાથે લગ્ન કરવા માગું છું. મારો પરિવાર પહેલાં તો રાજી થયો હતો, પણ પછી ના પાડી દીધી હતી. તેઓ મને રોજ મારે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જો મને કંઈ પણ થાય તો મારો પરિવાર જવાબદાર રહેશે.’ આ વિડિયો વાઇરલ થયા બાદ પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ ધર્મવીર સિંહના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ તનુના ઘરે પહોંચ્યા હતા અને આ કેસમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પંચાયત પણ બોલાવવામાં આવી. આ પ્રસંગે તનુએ ઘરે રહેવાનો ઇનકાર કરી દીધો અને રાજ્ય સરકાર દ્વારા હિંસાપીડિત મહિલાઓને સહાયતા કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલા વન સ્ટૉપ સેન્ટરમાં જવાની જીદ કરી. આ સમયે પિતા મહેશ ગુર્જરે તેની સાથે ખાનગીમાં વાત કરવા પર ભાર મૂક્યો અને દાવો કર્યો કે તેઓ તેને મનાવી લેશે. જોકે એ સમયે મહેશે તનુની છાતીમાં એકદમ નજીકથી ગોળી ધરબી દીધી. તનુના પિતરાઈ રાહુલે તનુના માથા, ગરદન, આંખ અને નાકની વચ્ચેના હિસ્સામાં ગોળીઓ ચલાવી હતી. તનુ પડી ગઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. ત્યાર બાદ મહેશ અને રાહુલે પોલીસ અને પરિવારના સભ્યો તરફ પિસ્ટલ તાકી દીધી હતી. મહેશ પર કાબૂ મેળવીને પકડી લેવામાં આવ્યો હતો, પણ રાહુલ પિસ્ટલ લઈને નાસી ગયો હતો.