છેતરેલી ત્રણ મહિલાઓ તો સરકારી સ્કૂલોની ટીચર્સ છે. તેણે આંબેડકર નગર, સંત કબીર નગર, ગોરખપુર, વારાણસી અને સોનભદ્રની મહિલાઓને પોતાની શિકાર બનાવી છે.
ઉત્તર પ્રદેશના રૉબર્ટ્સગંજમાં સહિજન ગામના રહેવાસી રાજન ગેહલોતે બનાવટી સરકારી ઑફિસર બનીને નવ મહિલાઓ સાથે લગ્ન કર્યાં
ઉત્તર પ્રદેશના રૉબર્ટ્સગંજમાં સહિજન ગામના રહેવાસી રાજન ગેહલોતે બનાવટી સરકારી ઑફિસર બનીને નવ મહિલાઓ સાથે લગ્ન કર્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેણે છેતરેલી ત્રણ મહિલાઓ તો સરકારી સ્કૂલોની ટીચર્સ છે. તેણે આંબેડકર નગર, સંત કબીર નગર, ગોરખપુર, વારાણસી અને સોનભદ્રની મહિલાઓને પોતાની શિકાર બનાવી છે. એક સરકારી ટીચરે કરેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે ત્રણ મહિલાઓ સોનભદ્ર પોલીસ-સ્ટેશનમાં પહોંચી હતી અને તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજન ગેહલોતે નવ લગ્ન કર્યાં છે. રાજન સરકારી સ્કૂલની ટીચર્સ અને નોકરી કરતી મહિલાઓને શિકાર બનાવતો હતો. રાજન ગેહલોત લગ્ન કર્યા પછી મહિલાના નામે લોન લેતો હતો. એક મહિલાના નામે તો તેણે ૪૧ લાખ રૂપિયાની લોન લીધી હતી અને પછી બદલી થઈ છે એમ કહીને નાસી ગયો હતો. પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરનારી ટીચરે જણાવ્યું હતું કે ‘મારાં લગ્ન થયાં હતાં પણ નોકરીના કારણે પતિ સાથે વિવાદ થતાં છૂટાછેડાનો કેસ કરવામાં આવ્યો હતો. આઠ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ ૨૦૨૨માં છૂટાછેડા મંજૂર થયા હતા. મારા પિતા સંબંધીઓ દ્વારા રાજન ગેહલોતના પરિચયમાં આવ્યા હતા. રાજન પોતાને સરકારી ઑફિસર હોવાનું જણાવતો હતો. અમે મળ્યાં અને થોડા દિવસોમાં કાશીના અન્નપૂર્ણા મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ રાજને બાળકના અભ્યાસ અને લખનઉમાં જમીન લેવાના નામે મારા સૅલેરી અકાઉન્ટમાંથી ૪૧ લાખ રૂપિયાની લોન લીધી હતી. ત્યાર બાદ રાજન તેની બદલી લલિતપુર થઈ છે એમ કહીને જતો રહ્યો હતો અને પછી તેણે ઘરે આવવાનું પણ બંધ કરી દીધું હતું. હું લલિતપુર ગઈ તો ખબર પડી કે આ નામનો કોઈ ઑફિસર નથી. ત્યાર બાદ તેને જાણ થઈ હતી કે આ રીતે રાજને આશરે બીજી આઠ મહિલાઓને ફસાવી હતી.’

