ભૂતપૂર્વ ISRO વૈજ્ઞાનિક ઉથૈયા કુમારે ST કેબ્સ લોન્ચ કરવા માટે અવકાશ સંશોધન છોડ્યું, હવે આવક વહેંચણી મોડલનો ઉપયોગ કરીને 37 કાર સાથે વાર્ષિક 2 કરોડ કમાય છે
અજબગજબ
ઉથૈયા કુમાર
ટીચ ફૉર ઇન્ડિયાના ઍલમ્નાઇ ઇમ્પૅક્ટના નિદેશક રામભદ્રન સુંદરમે થોડા દિવસ પહેલાં ટૅક્સી કરી હતી. એ ટૅક્સીના ડ્રાઇવર ઉથૈયા કુમાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનમાં એટલે કે ઇસરોમાં વિજ્ઞાની હતા એ જાણીને સુંદરમને સુખદ આશ્ચર્ય થયું. કન્યાકુમારી જિલ્લાના ઉથૈયા કુમારે અત્યારે કૅબ્સનો બિઝનેસ શરૂ કર્યો છે અને વર્ષે બે કરોડની કમાણી કરી રહ્યા છે. રામભદ્રન સુંદરમે ઉથૈયા કુમાર સાથેની મુલાકાતને લિન્ક્ડઇનમાં વર્ણવી છે. તેમણે કુમારનો પરિચય આપતાં લખ્યું છે કે અવકાશ સંસ્થામાં કામ કરતાં પહેલાં તેમણે સ્ટૅટિસ્ટિક્સમાં એમફિલ અને પીએચડી કર્યું હતું. ઇસરોમાં તેમણે ૭ વર્ષ સુધી કામ કર્યું હતું અને એમાં કુમારે ઇસરોમાં લિક્વિડ ફ્યુઅલના ઘનત્વને નિયંત્રિત કરવા માટે એમાં બબલ્સ બનાવવાનું કામ કર્યું હતું. ત્યાર પછી એન્જિનિયરિંગ કૉલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરી હતી. ૨૦૧૭માં ઉથૈયા કુમારે કેટલાક મિત્રોની આર્થિક મદદ લીધી અને એસટી કૅબ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. પિતા સુકુમારન અને માતા તુલસીના નામના પહેલા અક્ષર પરથી ‘એસટી કૅબ્સ’ નામ રાખ્યું છે. ભાઈ સાથે શરૂ કરેલા વ્યવસાયમાં તેમની પાસે અત્યારે ૩૭ કાર છે અને વર્ષે બે કરોડ રૂપિયાની આવક થાય છે. કુમારે કૅબ બિઝનેસ શરૂ કર્યો ત્યારે આઇટી-આઇટીઈએસ કંપનીના કર્મચારીઓને લાવવા-લઈ જવાનું કામ મળ્યું હતું. આ કામમાં તેમને એક ટ્રિપના ૨૫૦૦ રૂપિયા મળતા હતા. કુમારે પોતાના વ્યવસાયમાં પગારદાર ડ્રાઇવર નથી રાખ્યા, પરંતુ ૭૦-૩૦ના રેશિયો પ્રમાણે તેઓ આવકની વહેંચણી કરે છે.