લગ્ન માટે બૅન્ક્વેટ હૉલ બુક કરવામાં આવ્યો હતો. એમાં વૈદિક અનુષ્ઠાન અને હિન્દુ રીતરિવાજોથી લગ્નસમારોહ પાર પડ્યો હતો. લગ્ન બાદ આ કપલ તેમના આઠ વિદેશી મિત્રો સાથે વારાણસીથી બહાર જવા રવાના થયું હતું.
વારાણસીમાં વિદેશી કપલે હિન્દુ રીતરિવાજથી કર્યાં લગ્ન
યુરોપની મૂળ રહેવાસી લતાવિયાએ ઍન્ટોન નામના તેના બૉયફ્રેન્ડ સાથે બાવીસમી ફેબ્રુઆરીએ વારાણસીમાં હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યાં હતાં. લતાવિયાએ લાલ રંગનો લેહંગો, માથા પર પલ્લુ, હાથમાં મેંદી અને આખો ભારતીય શ્રૃંગાર કર્યો હતો અને તે ભારતીય દુલ્હનની જેમ નજર આવી રહી હતી. ઍન્ટોને પણ સફેદ રંગની શેરવાની, લાલ દુપટ્ટો અને પાઘડી પહેરી હતી અને સુંદર વરરાજા દેખાતો હતો.
લગ્ન સમારોહની શરૂઆત જાન નીકળવાથી થઈ હતી. હોટેલના દરવાજે જાન પહોંચતાં પારંપરિક ‘દામાદજી...’ ગીત વાગવા લાગ્યું હતું. એ સમયે વર અને કન્યા એમ બેઉ સાઇડના લોકોએ ડાન્સ કર્યો હતો. ત્યાર બાદ ‘હમ ભી બારાતી બારાત લે કે આએ’ ગીત પર ઍન્ટોને પણ ડાન્સ કર્યો હતો અને સ્ટેજ પર પહોંચ્યો હતો. શનિવારે રાત્રે સંપન્ન થયેલાં આ લગ્નનો વિડિયો સોમવારે જાહેર થયો હતો જેમાં ભારતીય સંસ્કૃતિ નજરે આવી હતી. ઍન્ટોન સ્ટેજ પર પહોંચ્યો ત્યારે દુલ્હન લતાવિયાનો ઇંતેજાર કરતો રહ્યો. થોડી વાર બાદ લતાવિયા હાથમાં વરમાળા લઈને આવી અને વરમાળા પહેરાવ્યા બાદ શુભ નક્ષત્ર અને સનાતન પરંપરા અનુસાર લગ્નસમારોહ સંપન્ન થયો હતો. લગ્નની વિધિમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ તમામ પરંપરાગત અનુષ્ઠાન કરવામાં આવ્યાં હતાં.
લગ્ન બાદ ઍન્ટોને પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘હિન્દુ ધર્મમાં મારી અતૂટ આસ્થા છે. હું પહેલાં પણ ભારત આવી ચૂક્યો છું. અહીંની આધ્યાત્મિકતા મને હંમેશાં આકર્ષિત કરતી રહે છે. આજ કારણે મેં ભારતીય પરંપરા મુજબ વારાણસીમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મારા આ નિર્ણયમાં મને મારા પરિવાર અને મારી પત્નીના એમ બેઉ પરિવારનો પૂરતો સાથ-સહકાર મળ્યો છે. આ પવિત્ર અવસર માટે ભારત અને ખાસ કરીને કાશીને ધન્યવાદ આપવા માગું છું.’
ADVERTISEMENT
લગ્ન માટે બૅન્ક્વેટ હૉલ બુક કરવામાં આવ્યો હતો. એમાં વૈદિક અનુષ્ઠાન અને હિન્દુ રીતરિવાજોથી લગ્નસમારોહ પાર પડ્યો હતો. લગ્ન બાદ આ કપલ તેમના આઠ વિદેશી મિત્રો સાથે વારાણસીથી બહાર જવા રવાના થયું હતું.

