Employee submits resignation on toilet paper: સિંગાપોરની એક બિઝનેસવુમન એન્જેલા યેઓએ લિન્ક્ડઇન પર એવી પોસ્ટ શૅર કરી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કર્મચારીના આવા રાજીનામાંથી તે અચંબિત થઈ અને શૅર કર્યું.
લિન્ક્ડઇન પર એન્જેલાએ શૅર કરેલી પોસ્ટ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
સિંગાપોરની એક બિઝનેસવુમન એન્જેલા યેઓએ તાજેતરમાં લિન્ક્ડઇન (LinkedIn) પર એવી પોસ્ટ શૅર કરી છે જે હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત એ હતી કે, એક કર્મચારીએ રાજીનામું એ રીતે આપ્યું કે તેના પર લખેલા શબ્દોની સાથે તે પત્ર વાંચીને એન્જેલા પણ અચંબિત રહી ગઈ. કર્મચારીએ પોતાના રાજીનામાંમાં લખ્યું હતું, "આ કંપનીએ મારી સાથે એવું વર્તન કર્યું છે જાણે હું ટોઇલેટ પેપર છું, જ્યારે જરૂર હોય ત્યારે ઉપયોગ કર્યો અને પછી કોઈ વિચાર વિના ફેંકી દીધું."
એન્જેલાએ લખ્યું, "આ શબ્દોથી મારું હ્રદય આઘાત પામ્યું. આ લખાણ માત્ર દુ:ખદ નહોતું, પણ કામકાજની જગ્યા કેટલી મહત્ત્વપૂર્ણ છે એનો નોંધપાત્ર સંદેશ પણ મળ્યો." તેણે વધુમાં કહ્યું કે "તમારા કર્મચારીઓની એટલી દિલથી પ્રશંસા કરો કે જ્યારે તે કંપની છોડવાનું નક્કી કરે છે, ત્યારે પણ તે રોષથી નહીં, પણ કૃતજ્ઞતાથી વિદાય લે. આ પ્રકારનો અનુભવ વફાદારીના અભાવને નહીં પણ કંપનીની સંસ્કૃતિ વિશે ઘણું બધું કહે છે."
ADVERTISEMENT
સાથે જ એન્જેલાએ ટોઇલેટ પેપર પર લખાયેલું એક હસ્તલિખિત રાજીનામું (Resignation Letter) પણ પોસ્ટ કર્યું હતું. તેમાં લખ્યું હતું કે "મેં મારા રાજીનામા માટે આ પ્રકારનું પેપર પસંદ કર્યું છે, કારણ કે આ કંપનીએ મારી સાથે પણ આવું જ વર્તન કર્યું છે. હું નોકરી પરથી રાજીનામું આપું છું. આઈ ક્વિટ" જો કે, એન્જેલાએ તેની પોસ્ટમાં એ સ્પષ્ટ નથી કર્યું કે રાજીનામાની નોટનો ફોટો મૂળ કર્મચારીનો હતો કે ફક્ત પ્રતિનિધિત્ત્વ કરતી તસવીર હતી.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
પોસ્ટ વાયરલ થતાં લિન્ક્ડઇન પર અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું, રાજીનામાની રીતને `યુનિક` ગણાવી અને તેણે આવું જ કંઈક કર્યું હોવાની કબૂલાત કરી. તેણે લખ્યું "યુનિક, હું તેની રિસ્પેક્ટ કરું છું. મેં ઘણાં સમય પહેલાં આવું જ કંઈક કર્યું હતું," તો બીજા યુઝરે લખ્યું કે "જો તમને તમારી વર્કપ્લેસ તમને બિનમહત્ત્વપૂર્ણ હોવાનો અનુભવ કરાવે છે, તો જરૂરી નથી કે ખોટ કંપનીમાં જ હોય. ઘણીવાર પોતાની અંદરના આત્મવિશ્વાસને વધારવાની જરૂર હોય છે. જ્યારે આત્મવિશ્વાસનો અભાવ હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે લોકો આપણી સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે." અન્ય એક યુઝરે શૅર કર્યું "કેટલીકવાર, કર્મચારીઓ કંપનીને કારણે નહીં, પરંતુ મિડલ મેનેજરને કારણે કામ છોડી દે છે"
ટોઇલેટ પેપર પરનું રાજીનામું ભલે કદાચ નાટકીય હતું, પરંતુ તે લોકોને શીખ આપવા માટે સફળ રહ્યું. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે દરેક કર્મચારી આદર અને પ્રશંસાને પાત્ર છે. દરેક કર્મચારી સાથે આદરપૂર્વક વર્તન થવું જોઈએ.

