યુવાઓ તો ઝડપથી આ ટેક્નૉલૉજીને અપનાવી લે છે, પરંતુ જૂની પેઢીના લોકો આવા ડ્રાઇવર વગરની કારની કલ્પના માત્રથી ડરી જાય છે
Offbeat News
ડ્રાઇવર વગરની કારમાં પહેલી વાર બેઠા બે સિનિયર સિટિઝન
આજકાલ ઘણી કારમાં સેલ્ફ ડ્રાઇવિંગ ફીચર્સ હોય છે. દર સપ્તાહે ટેસ્લા કારના અનેક વિડિયો વાઇરલ થતા હોય છે, જેમાં કાર ઑટો પાઇલટની મદદથી લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જોકે આ કારમાં ડ્રાઇવરની સીટની બાજુમાં કોઈક બેઠું હોય છે જેથી કારના સંચાલનમાં કોઈ મુશ્કેલી સર્જાય તો આ ડ્રાઇવર ટેકઓવર કરી શકે છે. આ સુવિધા હજી એટલી વ્યાપક બની નથી. યુવાઓ તો ઝડપથી આ ટેક્નૉલૉજીને અપનાવી લે છે, પરંતુ જૂની પેઢીના લોકો આવા ડ્રાઇવર વગરની કારની કલ્પના માત્રથી ડરી જાય છે. આવી ડ્રાઇવર વિનાની કારમાં પ્રથમ વખત મુસાફરી કરવા નીકળેલાં બે સિનિયર સિટિઝનની વિડિયો-ક્લિપ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ છે. ક્લિપમાં ૮૧ વર્ષનાં કેની અને જેરી નામના વૃદ્ધો કારની પાછળની સીટ પર બેઠાં છે. તેમની પરિવારની એક સભ્ય અમાન્ડા નામની યુવતી ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠી છે. કાર શરૂ થતાં જ કેની અમાન્ડાને પૂછે છે કે તને આના પર વિશ્વાસ છે? ઘણા લોકોએ પોતાના પરિવારના વૃદ્ધ સભ્યોને આવી સવારી કરાવવા બદલ અમાન્ડાનો આભાર માન્યો છે. લોકો વારંવાર આ ક્લિપને જુએ છે, કારણ કે આ બન્ને સિનિયર સિટિઝનની પ્રતિક્રિયા ખરેખર માણવાલાયક છે.