શહેરમાં બ્લાઇન્ડ અને વૃદ્ધ માતાપિતા ૪ દિવસથી ઘરમાં પુત્રના મૃતદેહ સાથે રહેતાં હતાં અને તેમને ખબર સુધ્ધાં નહોતી કે તેમનો દીકરો હવે આ જગતમાં નથી
અજબગજબ
શહેરમાં બ્લાઇન્ડ અને વૃદ્ધ માતાપિતા ૪ દિવસથી ઘરમાં પુત્રના મૃતદેહ સાથે રહેતાં હતાં
હૈદરાબાદમાં વૃદ્ધાવસ્થા અને દૃષ્ટિહીનતાની દારુણ કહાણી કહેતી કરુણ ઘટના બની છે. શહેરમાં બ્લાઇન્ડ અને વૃદ્ધ માતાપિતા ૪ દિવસથી ઘરમાં પુત્રના મૃતદેહ સાથે રહેતાં હતાં અને તેમને ખબર સુધ્ધાં નહોતી કે તેમનો દીકરો હવે આ જગતમાં નથી. આ આઘાતજનક સમાચાર પોલીસે તેમને આપ્યા ત્યારે બન્ને ચોધાર આંસુએ રડી પડ્યાં. સાઠેક વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારી કલુવા રમણ અને તેમનાં પત્ની શાંતિકુમારી બન્ને બ્લાઇન્ડ છે. ૩૦ વર્ષના નાના દીકરા પ્રમોદ સાથે બન્ને હૈદરાબાદની બ્લાઇન્ડ્સ કૉલોનીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. પ્રમોદની દારૂની લતને કારણે પત્ની બે દીકરીને લઈને પિયર જતી રહી હતી. પ્રમોદ જ બ્લાઇન્ડ માતાપિતાની ચાકરી કરતો હતો. સોમવારે તેમના ઘરમાંથી વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને દરવાજો તોડીને જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. ઘરમાં પ્રમોદનો મૃતદેહ પડ્યો હતો અને તેનાં માતાપિતા અર્ધબેભાન પડ્યાં હતાં. માતાપિતા ૪ દિવસથી પુત્રના મૃતદેહ સાથે ઘરમાં રહેતાં હતાં. પુત્ર પાસે પાણી અને ખાવાનું માગતાં હતાં પણ કોઈ જવાબ નહોતો મળતો એટલે પ્રમોદ બહાર ગયો હશે એવું માની લીધું હતું. તેના આવવાની રાહ જોતાં હતાં. ૪ દિવસથી ખાવાપીવાનું નહોતું મળ્યું એટલે તેમનો અવાજ પણ પાડોશીઓને સંભળાયો નહોતો. હૈદરાબાદ પોલીસે બન્નેને જમાડ્યાં અને જાણ કરી ત્યારે પ્રમોદ હવે નથી રહ્યો એની તેમને ખબર પડી હતી.