દહેજમાં લીધા ૧૧,૦૦૦ રોપા, ફૂલોથી સજાવેલી બળદગાડીમાં દુલ્હનની વિદાય, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રઈસપુરમાં રહેતા સુરવિંદર કિસાનનાં લગ્ન પ્રિયા ચૌધરી સાથે સામૂહિક લગ્નમહોત્સવમાં સંપન્ન થયાં હતાં.
દહેજમાં લીધા ૧૧,૦૦૦ રોપા, ફૂલોથી સજાવેલી બળદગાડીમાં દુલ્હનની વિદાય
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રઈસપુરમાં રહેતા સુરવિંદર કિસાનનાં લગ્ન પ્રિયા ચૌધરી સાથે સામૂહિક લગ્નમહોત્સવમાં સંપન્ન થયાં હતાં. આ લગ્નમાં દેખાડાને બદલે સાદગી ઊડીને આંખે વળગતી હતી. દુલ્હનની વિદાય આલીશાન કારમાં નહીં પણ ફૂલોથી સજાવેલી બળદગાડીમાં કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઈને જૂના સમયની યાદ આવી ગઈ જ્યાં ગ્રામીણ સંસ્કૃતિ પુનર્જીવિત થયેલી દેખાતી હતી.
આ લગ્નસમારોહ માત્ર વિવાહનો એક રિવાજ નહોતો, એના દ્વારા સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં પર્યાવરણપ્રેમીઓ, રાજકીય લોકો અને સમાજના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. લગ્નમાં દહેજ તરીકે મોંઘી જ્વેલરી કે ગિફ્ટની જગ્યાએ ૧૧,૦૦૦ રોપા લેવામાં આવ્યા હતા. આ પહેલ પર્યાવરણ-સંરક્ષણની દિશામાં એક મિસાલ બની હતી. આ લગ્નમાં પ્લાસ્ટિકનો વપરાશ કરાયો નહોતો અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા નહોતા. તમામ મહેમાનોને ગિફ્ટરૂપે રોપા આપવામાં આવ્યા હતા.

