જેલમાં દીક્ષા સમારંભ યોજાયો હતો અને એમાં પંચ દશનામ જૂના અખાડાના સાધુઓએ ડૉન પીપીને કાનમાં વૈદિક મંત્રો ભણીને દીક્ષા આપી હતી
અન્ડરવર્લ્ડનો ડૉન જેલમાં રહીને સાધુ બની ગયો
દાઉદને મારી નાખવા માટે પાકિસ્તાનમાં ઘૂસી ગયેલા અન્ડરવર્લ્ડ ડૉન પ્રકાશ પાંડે ઉર્ફે પીપી અત્યારે ઉત્તરાખંડની અલ્મોડા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ખંડણી, લૂંટફાટ અને હત્યા સહિતના અનેક ગુના તેના નામે લખાયેલા છે. એક સમયે ખૂનખાર ગણાતા ડૉનનું હૃદયપરિવર્તન થયું હોવાનું કહેવાય છે. એટલે સુધી કે તેણે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને જેલમાં દીક્ષા લઈ લીધી છે. જેલમાં દીક્ષા સમારંભ યોજાયો હતો અને એમાં પંચ દશનામ જૂના અખાડાના સાધુઓએ ડૉન પીપીને કાનમાં વૈદિક મંત્રો ભણીને દીક્ષા આપી હતી. પછી રુદ્રાક્ષની માળા અને પવિત્ર મોતીની કંઠી પહેરાવી હતી. દીક્ષા પછી ડૉન પ્રકાશ પાંડેને પ્રકાશાનંદગિરિ તરીકે નવું નામ આપી દેવાયું છે. હરિદ્વારમાં મુખ્ય આશ્રમ ધરાવતા અખાડાના સંતો અને પીપી વચ્ચે મધ્યસ્થી કરાવનારા કૃષ્ણ કાંડપાલે આ વાત જાહેર કરી છે.