નાના આંતરડામાં જીવતો વંદો યુવાન માટે જીવલેણ બની શકે એમ હતું
અજબગજબ
૧૦ મિનિટની સારવાર પછી જીવતો વંદો બહાર કાઢ્યો હતો
કાનમાં કે નાકમાં જીવડું ઘૂસી જવાના કિસ્સા સાંભળ્યા છે પણ આ કિસ્સો તો અકલ્પનીય છે. દિલ્હીના ૨૩ વર્ષના યુવાનને ૨-૩ દિવસથી પેટમાં બહુ દુખાવો થતો હતો. અપચો પણ બહુ હતો. એ યુવાન વસંતકુંજમાં આવેલી ફોર્ટિસ હૉસ્પિટલમાં ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરોએ સાદી તપાસ કર્યા પછી જીઆઇ એન્ડોસ્કોપી કરાવી. એમાં ખબર પડી કે યુવકના નાના આંતરડામાં વંદો ઘૂસી ગયો હતો અને એ જીવતો છે. ડૉક્ટરોએ તાત્કાલલિક એન્ડોસ્કોપી કરવાનું નક્કી કર્યું અને ૧૦ મિનિટની સારવાર પછી જીવતો વંદો બહાર કાઢ્યો હતો. ગેસ્ટ્રો વિભાગના ડૉ. શુભમ વત્સે કહ્યું કે નાના આંતરડામાં જીવતો વંદો યુવાન માટે જીવલેણ બની શકે એમ હતું. વધુ સમય અંદર રહ્યો હોત તો ચેપ લાગવાની શક્યતા હતી એટલે તાત્કાલિક એન્ડોસ્કોપી કરવી પડી હતી. કાં તો ખાવામાં અથવા અન્ય કોઈ રીતે વંદો તેના પેટમાં જતો રહ્યો હશે એવું ડૉક્ટરે અનુમાન લગાવ્યું હતું.