ચીનમાં રેસ્ટોરાં ચલાવતા ૪૭ વર્ષના લીએ કરોડો રૂપિયાનું દેવું ચૂકવવા માટે રીઢો ગુનેગાર હોય એવું ષડ્યંત્ર રચ્યું હતું. શાંઘાઈમાં રેસ્ટોરાં ચલાવતો લી વારંવાર પોતાના સ્ટાફ અને સપ્લાયર્સ પાસેથી ઉછીના રૂપિયા લેતો હતો
અજબગજબ
આયોજન એવી રીતે કર્યું કે પત્નીનું દરિયાઈ અકસ્માત કે અન્ય કોઈક કારણસર મૃત્યુ થાય
ચીનમાં રેસ્ટોરાં ચલાવતા ૪૭ વર્ષના લીએ કરોડો રૂપિયાનું દેવું ચૂકવવા માટે રીઢો ગુનેગાર હોય એવું ષડ્યંત્ર રચ્યું હતું. શાંઘાઈમાં રેસ્ટોરાં ચલાવતો લી વારંવાર પોતાના સ્ટાફ અને સપ્લાયર્સ પાસેથી ઉછીના રૂપિયા લેતો હતો. તેની ૧૯ વર્ષની પ્રેમિકા પણ હતી. ઉડાઉ ખર્ચા અને પ્રેમિકા પાછળ રૂપિયા વાપરતો હોવાથી લીને માથે ૧,૪૦,૦૦૦ યુએસ ડૉલરનું દેવું થઈ ગયું હતું. દેવું ચૂકવવા માટે તેણે એક ખતરનાક પ્લાન કર્યો. તેની જ રેસ્ટોરાંમાં ૨૦૧૬થી કામ કરતી બે બાળકની માતા અને બે વાર છૂટાછેડા લઈ ચૂકેલી મહિલા સાથે તેણે લગ્ન કર્યાં. લગ્નના બે મહિના પછી તેણે પત્નીના નામે ૪ વીમા-પૉલિસી લીધી અને નૉમિનીમાં પોતાનું નામ લખાવ્યું. આયોજન એવી રીતે કર્યું કે પત્નીનું દરિયાઈ અકસ્માત કે અન્ય કોઈક કારણસર મૃત્યુ થાય તો ચારેય વીમાની ૧.૬ મિલ્યન યુએસ ડૉલર જેટલી સંયુક્ત રકમ પતિ લીને મળે. એ પછી ૨૦૨૧ની પાંચમી મેના રોજ લી દંપતી ઉત્તરપૂર્વીય ચીનના લિયાઓનંગના ડાલિયાનથી પૂર્વ ચીનના શેડોંગ પ્રાંતના યંતાઇ સુધી બોટમાં ગયાં. ત્યાં અચાનક રેલિંગ પરથી પડી જતાં પત્ની ડૂબી ગઈ. ૪૫ મિનિટની શોધખોળ પછી તેનો મૃતદેહ મળ્યો. લીએ આકસ્મિક ઘટના હોવાનું કહ્યું, પણ પોલીસને શંકા ગઈ, કારણ કે ફેરીની સર્વેલન્સ સિસ્ટમમાં ૨૦૦થી વધારે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા હતા અને મહિલા જ્યાંથી પડી હતી એ જગ્યા કોઈ પણ કૅમેરામાં દેખાતી નહોતી. ફૉરેન્સિક નિષ્ણાતોને તેના ચહેરા પર ઈજાનાં નિશાન પણ મળ્યાં હતાં. પત્નીનું ડેથ સર્ટિફિકેટ લેવા માટેની લીની અધીરાઈ જોઈને પોલીસની શંકા દૃઢ થઈ એટલે તેને ડાલિયાન બોલાવ્યો અને ગુપ્ત રીતે તેના ઘરે અધિકારીઓએ તપાસ કરી. એ તપાસમાં પોલીસને લીનું દેવું, લગ્ન અને પ્રેમિકા વિશે માહિતી મળી. પુરાવાના આધારે પોલીસે લીની ધરપકડ કરી. એ પછી લીને પત્નીની હત્યા કરવાના ગુનામાં દેહાંતદંડની સજા કરી છે.