પોલીસનો જવાબ સાંભળીને જજસાહેબ બહુ ગુસ્સે ભરાઈ ગયા
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ હાઈ કોર્ટમાં અન્સાર અહેમદ નામના માણસનો કેસ ચાલે છે. ૨૦૨૧ના ઑગસ્ટમાં અન્સારે પત્ની તાહિરાને દંડાથી ફટકારી હતી. સારવાર ચાલતી હતી ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. એટલે પોલીસે અન્સાર સામે ફરિયાદ નોંધીને તેને પકડી લીધો હતો. અન્સારે ઇરાદાપૂર્વક હત્યા કરી છે કે ભૂલથી થઈ ગઈ છે એનો કેસ ચાલી રહ્યો છે. એ માટે હાઈ કોર્ટે પુરાવા માગ્યા ત્યારે પોલીસનો જવાબ સાંભળીને જજસાહેબ બહુ ગુસ્સે ભરાઈ ગયા. પોલીસે કહ્યું કે પુરાવા ઉંદરોએ કોતરી નાખ્યા છે. ખાલી આ કેસના નહીં, બીજા કેસના મળીને કુલ ૨૯ પુરાવા ઉંદરોએ નષ્ટ કરી નાખ્યા છે. પોલીસે કોર્ટને કહ્યું કે વિસેરા એક બૉટલમાં રાખ્યા હતા અને એ બૉટલ પ્લાસ્ટિકના ડબામાં હતી. ચોમાસામાં બહુ વરસાદ પડ્યો ત્યારે ઉંદરોએ બધું બગાડી નાખ્યું છે. આ સાંભળીને જજસાહેબ ખિજાઈ ગયા અને કહ્યું કે પુરાવાની સુરક્ષા કરવા માટે પોલીસે તૈયાર રહેવું જોઈએ. રાજ્યનાં પોલીસ-સ્ટેશનોમાં પુરાવા કેટલી દયનીય સ્થિતિમાં રખાય છે એ આજે ખબર પડી. જો ઇન્દોર જેવા પોલીસ-સ્ટેશનની આ સ્થિતિ હોય તો બીજાં નાનાં પોલીસ-સ્ટેશનોની શી હાલત હશે.