સૉઇલ સાયન્સ માટેનો તેમનો પ્રેમ એટલો છે કે તેમણે લગ્ન પણ પાંચમી ડિસેમ્બરના વર્લ્ડ સૉઇલ ડે પર કર્યાં.
અજબગજબ
રિસર્ચ-પેપર જેવી કંકોતરી છપાવી
અલપતી નિમિષા અને પ્રેમ કુમાર બી. નામનાં બે ઍગ્રિકલ્ચર સાયન્ટિસ્ટોએ તેમની કારકિર્દી સૉઇલ સાયન્સ એટલે કે માટી વિજ્ઞાન અને ઍગ્રિકલ્ચરલ કેમિસ્ટ્રીને સમર્પિત કરી છે. એટલે જ આ બન્ને કૃષિ વૈજ્ઞાનિકોએ જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમની કંકોતરીમાંથી રિસર્ચ માટેનો તેમનો પ્રેમ છલકાતો હતો. આ કંકોતરી જ્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ત્યારે લોકોએ એને કોઈ રિસર્ચ-પેપરના ઓપનિંગ પેજ તરીકે વર્ણવી હતી. નિમિષા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ-ઇન્ડિયન ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સાથે દિલ્હીમાં રિસર્ચ સ્કૉલર તરીકે જોડાયેલી છે, જ્યારે પ્રેમ કુમાર છત્તીસગઢના રાયપુરમાં નૅશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)માં અસિસટન્ટ મૅનેજર છે. નિમિષા અને પ્રેમ કુમારની કંકોતરી માત્ર ઍકૅડેમિક્સ પ્રત્યેના તેમના પ્રેમને પ્રગટ કરે છે એવું નથી, તેઓ કેવી રીતે મળ્યાં અને કેવી રીતે પ્રેમમાં પડ્યાં એ પણ સાયન્સની ભાષામાં સમજાવે છે. સૉઇલ સાયન્સ માટેનો તેમનો પ્રેમ એટલો છે કે તેમણે લગ્ન પણ પાંચમી ડિસેમ્બરના વર્લ્ડ સૉઇલ ડે પર કર્યાં.