એક વર્ષ કરતાં વધુ સમય થયો ત્યારે સોપારીકિલર નીરજ શર્મા જામીન લઈને જેલમાંથી બહાર આવ્યો. હવે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને સોપારી-કિલિંગના ૨૦ લાખ રૂપિયા નથી મળ્યા
અજબગજબ
સોપારીકિલર નીરજ શર્મા
ઉત્તર પ્રદેશના મેરઠમાં ૨૦૨૩ની ૭ જૂને વકીલ અંજલિ ગર્ગની હત્યા થઈ હતી. પોલીસે તપાસ કરીને સોપારીકિલર અને તેના સાગરીતને પકડી લીધા અને બન્નેને જેલમાં ધકેલી દીધા. આ વાતને એક વર્ષ કરતાં વધુ સમય થયો ત્યારે સોપારીકિલર નીરજ શર્મા જામીન લઈને જેલમાંથી બહાર આવ્યો. હવે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને સોપારી-કિલિંગના ૨૦ લાખ રૂપિયા નથી મળ્યા. અંજલિ ગર્ગની હત્યા કરવા માટે તેના પતિ, સાસુ અને સસરાએ જ સોપારી આપી હતી. હત્યારાની ફરિયાદ પછી હત્યાકેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. અંજલિ છૂટાછેડા લઈને સસરાના ઉમેશ વિહારમાં આવેલા મકાનમાં એકલી રહેતી હતી. એ મકાન પાછું લેવા માટે બન્ને પક્ષે વિવાદ ચાલતો હતો. તેમણે અંજલિ સામે ચોરીની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. સામે અંજલિએ આ લોકો સામે ઘરફોડ-ચોરીની ફરિયાદ કરી હતી અને એ લોકોએ જેલમાં પણ જવું પડ્યું હતું. એ પછી અંજલિને પોતાનું મકાન પાછું મળી ગયું હતું એટલે બદલો લેવા માટે અંજલિની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું.