લખનઉના એક છોકરાએ ઓનલાઈન ગેમ્સ રમતા એક કૌભાંડમાં તેના માતા-પિતાના રૂપિયા 4.9 લાખ ગુમાવ્યા. પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
મોબાઇલનું વળગણ શારીરિક-માનસિક રીતે તો નુકસાન કરે જ છે, પરંતુ લખનઉમાં તો એક પરિવાર માટે આર્થિક નુકસાનનું પણ કારણ બન્યો છે. બન્યું એવું કે લખનઉના સરકારી કર્મચારીના સાતમા ધોરણમાં ભણતા દીકરાને ઑનલાઇન ગેમ રમવાનો બહુ શોખ હતો. તે મમ્મી-પપ્પાના મોબાઇલમાં તો ક્યારેક કમ્પ્યુટરમાં ગેમ રમતો હતો. થોડા દિવસ પહેલાં તેને પ્રકાશ મહરાના નામના કોઈ માણસનો મેસેજ મળ્યો. નવાં સ્ટેજ પાર કરવા માટે ગેમિંગ આઇડી બનાવવા પ્રકાશે મેસેજ મોકલ્યો હતો. નવું આઇડી બનાવવાથી ઇનામો મળશે એવી લાલચ પણ આપી હતી એટલે કિશોરે આઇડી બનાવી નાખ્યું અને પ્રકાશ નામના તે માણસના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા લાગ્યો. ૨૪ ઑગસ્ટે પહેલી વાર કિશોરના ખાતામાં પ્રકાશે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછીથી વિદ્યાર્થીએ ૨૪ ઑગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધીમાં પપ્પાના ખાતામાંથી ૨.૬૦ લાખ રૂપિયા અને મમ્મીના ખાતામાંથી ૨.૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરિવારે પોલીસ-ફરિયાદ નોંધાવી છે.