વેઇટલૉસ કરવા ઇચ્છતા લોકો પર ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરતા ડૉ. વુ ટિઆનનું પોતાનું વજન ખૂબ વધી ગયું હતું. ડૉક્ટર તરીકે જાગ્રત હોવાથી તેમણે ટેસ્ટ કરાવી તો ખબર પડી કે ફૅટી લિવરની તકલીફ છે.
૩૧ વર્ષના વુ ટિઆન જેન નામના ચાઇનીઝ સર્જ્યને પોતાની બૉડીનું જે ટ્રાન્સફૉર્મેશન કર્યું
૩૧ વર્ષના વુ ટિઆન જેન નામના ચાઇનીઝ સર્જ્યને પોતાની બૉડીનું જે ટ્રાન્સફૉર્મેશન કર્યું છે એ જોઈને ભલભલા મોઢામાં આંગળાં નાખી જાય છે. ડિસેમ્બર ૨૦૨૪ની શરૂઆતમાં વુહાન યુનિવર્સિટીની ઝોન્ગાન હૉસ્પિટલમાં સર્જ્યન તરીકે કામ કરતા વુભાઈનું વજન ૯૭.૫ કિલો જેટલું હતું. વેઇટલૉસ કરવા ઇચ્છતા લોકો પર ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી કરતા ડૉ. વુ ટિઆનનું પોતાનું વજન ખૂબ વધી ગયું હતું. ડૉક્ટર તરીકે જાગ્રત હોવાથી તેમણે ટેસ્ટ કરાવી તો ખબર પડી કે ફૅટી લિવરની તકલીફ છે. પોતાના વજનને કાબૂમાં રાખવા તેમણે કંઈક ગોલ સેટ કરવાનું નક્કી કર્યું. માત્ર વજનકાંટા પરનો આંકડો બદલવા પૂરતું જ નહીં, પરંતુ કંઈક મોટિવેશનલ ગોલ રાખવા માટે તેમણે બૉડીબિલ્ડિંગ કૉમ્પિટિશનમાં નામ નોંધાવ્યું. શરીરમાં ઠેર-ઠેર ચરબીના થર જામેલા હતા એમાંથી બૉડીબિલ્ડિંગના લેવલ પર પહોંચવા માટે તેમણે કમર કસવાની શરૂઆત કરી. ડિસેમ્બરના અંતમાં જ તેમણે પ્લાનિંગ શરૂ કરી દીધું અને ૨૦૨૪ની શરૂઆતમાં એનો અમલ કરવા માંડ્યા. લિથુઆનિયાના બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનને પોતાનો ટ્રેઇનર બનાવીને દિવસ-રાત જોયા વિના મચી પડ્યા. સવારે સાડાપાંચે ઊઠીને ત્રણ કલાક કસરત કરવાની, ડાયટ ફૉલો કરવાનો અને બીજી નાની-મોટી ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની. એ ઉપરાંત તેમણે સર્જ્યન તરીકેની પોતાની ડ્યુટી પણ ચાલુ રાખી હતી. દર અઠવાડિયે તેઓ ત્રણ ઑપરેશન કરતા, બે દિવસ રાઉન્ડ પર જતા અને બાકીના દિવસોમાં મેડિકલ કન્સલ્ટન્સી અને રિસર્ચવર્ક કરતા. આ તમામ કામ સાથે તેમણે ૨૫ કિલો વજન ઘટાડી દીધું એટલું જ નહીં, હાથ-પગ અને બૅકના મસલ્સને જે રીતે ટોન કર્યાં એ પણ કાબિલેદાદ છે.
જસ્ટ ૪૨ દિવસમાં આવું અદ્ભુત ટ્રાન્સફૉર્મેશન કેવી રીતે થયું એની વધુ વિગત તેઓ જાહેર કરવા નથી માગતા. તેમનું કહેવું છે કે મારે મેદસ્વી લોકો માટે રોલ મૉડલ બનવું છે.

