ઝાંગે રોબો પાસે ઘરનું કામ તો કરાવ્યું જ, પણ પછી તેઓ એને લઈને ડેટ પર ગયા અને ત્યાં શાંતિથી વાતો પણ કરી
રોબોટ ગર્લફ્રેન્ડ
રોબો હવે કયું કામ નથી કરી શકતા? ચીનના એક યુવકે તો ડેટ પર જવા માટે પણ હવે ગર્લફ્રેન્ડને બદલે રોબો વાપરવાનું શરૂ કરી દીધું છે. ત્રણેક વર્ષ પહેલાં ચીનના એક ડેટિંગ રિયલિટી શોમાં ભાગ લઈને ફેમસ થયેલા પચીસ વર્ષના ઝાંગ નામના ભાઈ ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાં ભણ્યા પછી હવે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની ગયા છે. તાજેતરમાં આ ભાઈએ એક દિવસ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી સજ્જ GI નામનો રોબો ભાડેથી લીધો હતો. આ રોબો તમે કહો એ બધું જ કામ કરી આપે છે. એ ઘરની સાફસફાઈથી જમવાનું બનાવવાનું કામ કરવા ઉપરાંત ડેટ પર પણ જઈ શકે છે. ગયા વર્ષે યુનિટી રોબોટિક્સ નામની કંપનીએ GI નામનો રોબો ૧૨ લાખ રૂપિયામાં બનાવ્યો હતો. હવે આ રોબો ઝાંગભાઈએ એક દિવસ માટે ભાડે લીધો હતો અને એક દિવસ માટે ૧.૧૫ લાખ રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. ઝાંગે રોબો પાસે ઘરનું કામ તો કરાવ્યું જ, પણ પછી તેઓ એને લઈને ડેટ પર ગયા અને ત્યાં શાંતિથી વાતો પણ કરી. ઝાંગનું કહેવું છે કે રોબોની ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારી છે એટલે હવે મને ગર્લફ્રેન્ડની જરૂર નથી.

