ચીની મહિલાને આ બૅગ નકલી હોવાનું જાણવા મળતાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો ઊભરો ઠાલવ્યો હતો
Offbeat
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
બૉયફ્રેન્ડે ગિફ્ટ કરેલી મોંઘી ડિઝાઇનર લક્ઝરી બૅગ વેચવા નીકળેલી ચીની મહિલાને આ બૅગ નકલી હોવાનું જાણવા મળતાં તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો ઊભરો ઠાલવ્યો હતો, જોકે બૉયફ્રેન્ડે તેના પર જ પોતાની ભેટ આપેલી બૅગ વેચવાનો આરોપ મૂક્યો હતો.
વાત જાણે એમ છે કે હૉન્ગકૉન્ગની એક મહિલાએ શહેરના અનામી સોશ્યલ મીડિયા ફોરમ ડિસ્કસએચકે પર જણાવ્યું હતું કે તેનો બૉયફ્રેન્ડ અવારનવાર મોંઘી લક્ઝરી ડિઝાઇનર બૅગ ભેટ આપતો રહેતો હતો. સતત મળતી લક્ઝરી બૅગની ગિફ્ટને કારણે એક તબક્કો એવો આવ્યો કે મહિલા પાસે ભેટ મળેલી બૅગને મૂકવા માટે જગ્યા નહોતી. પરિણામે મહિલાએ બૅગ વેચવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
જોકે બૅગ વેચવા નીકળ્યા બાદ તેને જાણ થઈ કે તેને મળેલી બૅગ નકલી છે. આઘાત પામેલી મહિલાએ તેના બૉયફ્રેન્ડને નકલી બૅગ ગિફ્ટ કરવા બદલ પ્રશ્ન કર્યો તો તેણે મહિલા પર જ પોતાની ભેટ વેચવા બદલ આક્ષેપ કર્યો. જોકે મહિલાનું કહેવું છે કે જોતે બૅગ્સ વેચવા ન ગઈ હોત તો તેને તેના નકલી હોવા વિશે જાણ થઈ જ ન હોત.
મહિલાની આ સોશ્યલ મીડિયા પોસ્ટ પર અનેક જણે કમેન્ટ કરી છે.