ચીનની આવી ટૉક્સિક કંપનીઓમાં હમણાં એકનો ઉમેરો થયો છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ચીનની ઘણી કંપનીઓમાં ટૉક્સિક વર્ક-કલ્ચર હોય છે એ જગજાહેર વાત છે. ટૉક્સિક એટલે કેવું? ઉદાહરણ તરીકે ગ્વાંગઝોઉની એક કંપનીમાં કામ કરતી એક યુવતીએ ગયા વર્ષના ઑક્ટોબરમાં કહેલું કે સ્ટાફે મહિનાનાં ૧,૮૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનાં હોય છે અને એમાં તેઓ ફેલ થયા તો પગાર કાપી લેવામાં આવે છે. હેનાન નામના પ્રાંતમાં આવેલી એક પ્રૉપર્ટી મૅનેજમેન્ટ કંપનીમાં કર્મચારીના વજનના માપદંડ રાખવામાં આવ્યા છે અને એમાં કોઈ ફિટ ન બેસતું હોય તો મહિને ૫૦૦ યુઆન એટલે કે અંદાજે ૬૦૦૦ રૂપિયા કાપી લેવામાં આવે. આ કંપનીના એક કર્મચારીએ બે વર્ષમાં આ નિયમને લીધે ૧૦,૦૦૦ યુઆન ગુમાવ્યા હતા. ૨૦૨૦માં ચેન્ગદુ નામના પ્રાંતમાં આવેલી એક ફાઇનૅન્શિયલ કંપનીએ બરાબર કામ ન કરતા કર્મચારીઓને કાતિલ મરચાં ખાવાની સજા કરી હતી, જેને લીધે બે મહિલાઓએ હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું.
ચીનની આવી ટૉક્સિક કંપનીઓમાં હમણાં એકનો ઉમેરો થયો છે. ગ્વાંગઝોઉમાં આવેલી એક કંપનીનો વિડિયો હમણાં વાઇરલ થયો છે જેમાં બૉસ ઑફિસમાં આવ્યા ત્યારે વીસેક જણ જમીન પર છાતીસરસા સૂઈને તેમને આવકારી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે જીવીએ કે મરીએ, અમે અમારા કામમાં નિષ્ફળ નહીં જઈએ. આ વિડિયો કોઈક શૈક્ષણિક સંસ્થાનો હોવાનું કહેવાય છે અને સરકારે આ મામલે તપાસ આરંભી છે.