ચીનમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પ્રેમિકાની કારમાંથી પડીને પતિ મરી જતાં પત્નીએ પતિની પ્રેમિકા પર કેસ કરીને ૭૦ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પ્રેમિકાની કારમાંથી પડીને પતિ મરી જતાં પત્નીએ પતિની પ્રેમિકા પર કેસ કરીને ૭૦ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. પત્નીની જાણ બહાર બીજી મહિલા સાથે પતિને અફેર હતું એની પત્નીને જાણ નહોતી, પણ કારમાંથી પડીને મૃત્યુ પામ્યા બાદ આ વાત બહાર આવી હતી. ચીનમાં એ કેસની સુનાવણી હાલમાં ચાલી રહી છે.
વાંગ અટક ધરાવતા પરિણીત માણસની મુલાકાત લિયુ અટક ધરાવતી મહિલા સાથે થઈ હતી અને તેઓ એકમેકને પસંદ પડતાં પ્રેમ કરવા માંડ્યાં હતાં. તેમના લગ્નબાહ્ય સંબંધો બંધાયા હતા. તેઓ બહાર ફરવા જતાં અને એન્જૉય કરતાં હતાં. વાંગની પત્નીને આની જાણ નહોતી, પણ ૨૦૨૩ના જુલાઈમાં વાંગ અને લિયુ વચ્ચે આ રિલેશનશિપનો અંત લાવવાના મુદ્દે ચડસાચડસી થઈ. એ પછી તેઓ એક રેસ્ટોરાંમાં જમ્યાં અને નશાની હાલતમાં ઘરે જતાં હતાં. એ સમયે કાર લિયુ ચલાવી રહી હતી. શરાબના નશામાં ધુત વાંગ ચાલતી કારમાંથી ગબડી ગયો હતો. ગભરાયેલી લિયુએ ઍમ્બ્યુલન્સ બોલાવીને વાંગને હૉસ્પિટલ પહોંચાડ્યો, પણ બ્રેઇન-ઇન્જરીને લીધે ૨૪ કલાકમાં તેનું મૃત્યુ થઈ ગયું.
ADVERTISEMENT
પોલીસે આ ઘટનાક્રમ જાણ્યા બાદ જણાવ્યું કે વાંગે સીટબેલ્ટ પહેર્યો ન હોવાથી તે પડી ગયો અને એમાં લિયુની કોઈ ભૂલ નથી. જોકે વાંગની પત્નીએ લિયુ સામે ૬ લાખ યુઆન એટલે કે ૭૦ લાખ રૂપિયાના વળતરની માગણીનો કેસ ઠોકી દીધો હતો. કોર્ટમાં જજે વાંગની પત્નીની માગણીનું સમર્થન ન કર્યું, પણ વાંગની પ્રેમિકાને ૯૬,૦૦૦ યુઆન એટલે કે ૮ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે વાંગના મૃત્યુ માટે લિયુને જવાબદાર ગણી નહોતી અને આ ઘટનાની ચીનમાં જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે.