દુલ્હન કોરોના પૉઝિટિવ નીકળતાં આમ પાર પાડયા લગ્ન
પીપીઈ કિટમાં લગ્ન કરતા દુલ્હો અને દુલ્હન
હજી થોડાક સમય પહેલાં ઇંગ્લૅન્ડમાં લગ્નના ત્રણ દિવસ પહેલાં જ ટુ બી બ્રાઇડ કોરોના પૉઝિટિવ નીકળી એટલે દુલ્હને પહેલા માળે અને દુલ્હાએ ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા રહીને રિન્ગની આપ-લે કરી અને લગ્નનાં વચનો લીધાં હતાં. જોકે રાજસ્થાનમાં તો એથીયે વિચિત્ર સ્થિતિ સર્જાઈ. બારા શહેરમાં એક યુગલનાં રવિવારે લગ્ન હતાં અને એ જ દિવસે તેમને ખબર પડી કે દુલ્હન કોરોના પૉઝિટિવ છે. એવામાં તેને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવી. એમ છતાં બન્ને પરિવારો લગ્નને પાછા ઠેલવા માગતા ન હોવાથી કોવિડ-સેન્ટરમાં જ દુલ્હા-દુલ્હને પીપીઈ કિટ પહેરીને લગ્ન વિધિ કરી લેવાનું મુનાસિબ માન્યું હતું. લગ્નની વિધિ પઢાવવા માટે આવેલા ગોરમહારાજે પણ પીપીઈ કિટ પહેરી હતી. કદાચ કોઈએ નહીં વિચાર્યું હોય કે લગ્નમાં પાનેતર અને શેરવાનીને બદલે પ્લાસ્ટિકની પીપીઈ કિટ પહેરીને સાત ફેરા ફરવાનો વારો પર આવી શકે છે. સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ કમેન્ટ કરી છે, ‘બસ, ૨૦૨૦માં આ જ જોવાનું બાકી રહી ગયું હતું.’

