માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ગઈ કાલે ટેક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશે વડા પ્રધાનનો જાણે ઇન્ટરવ્યુ લીધો હતો
નરેન્દ્ર મોદી, બિલ ગેટ્સ
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે માઇક્રોસૉફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ સાથે લાંબી વાતો કરી હતી. તેમણે ભારતમાં કઈ રીતે ટેક્નૉલૉજીને ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે એ જણાવ્યું હતું. ડિજિટલ શક્તિને ભારતમાં થનારી ચોથી ઔદ્યાગિક ક્રાન્તિ ગણાવી હતી. આમ તો નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં ભારતમાં કઈ-કઈ ટેક્નૉલૉજી ક્રાન્તિ થઈ અને એ કઈ રીતે સ્વાસ્થ્ય, ઍગ્રિકલ્ચર અને એજ્યુકેશન ક્ષેત્રે ક્રાન્તિ લાવી રહી છે એની વાત કરી. જોકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને સ્માર્ટ વર્ક માટે ઉપયોગમાં લેવાય એવું હું ઇચ્છું છું. એનાથી લોકો આળસુ બને અને બધું કામ AI પાસે કરાવે એ ઠીક નથી. જે કામ તમે ન કરો તો પણ ચાલે એવું હોય એ મશીનને કરવા આપી દો, પણ તમે AI પાસેથી હજી વધુ સારું ત્યારે જ કરાવી શકશો જ્યારે તમે તમારી પૂરી ક્ષમતા અને પ્રતિભાથી કામ કરશો.’
AIના દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરતાં મોદીએ કહ્યું કે ‘ભારતમાં હવે બાળકો સૌથી પહેલો શબ્દ આઈ (એટલે કે મમ્મી) બોલતાં શીખવાની સાથે જ AI બોલતાં શીખી જાય છે. આ ખૂબ જ શક્તિશાળી ટેક્નૉલૉજી છે, પણ એ ખોટા, અર્ધશિક્ષિત અને અકુશળ હાથમાં જાય તો એનો દુરુપયોગ થવાનો મોટો ખતરો છે.’
ADVERTISEMENT
ભારત હાલમાં પવન અને સૂર્યશક્તિ જેવી રિન્યુએબલ એનર્જી કૅપેસિટીને વધારવા માટે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેમ જ અમારે ન્યુક્લિયર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવાં સેક્ટરોમાં પણ આગળ વધવું છે એમ જણાવીને વડા પ્રધાને બિલ ગેટ્સને ભારતના રીસાઇક્લિંગ કલ્ચર વિશે જાણકારી આપી હતી.
ભારતમાં કચરાના રીસાઇક્લિંગ અને ભારતીય સંસ્કૃતિ બાબતે જણાવતાં નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સને કહ્યું હતું કે ‘મેં જે હાફ-જૅકેટ પહેર્યું છે એ પણ રીસાઇકલ્ડ મટીરિયલમાંથી બન્યું છે. રીસાઇક્લિંગ એ અમારા સ્વભાવમાં છે. દરજીની દુકાનમાં કપડાંના જે ટુકડા કામમાં ન આવતા હોય એને ભેગા કરી રાખવામાં આવે છે. તમામ વેસ્ટ મટીરિયલને જમા કરવામાં આવે છે. આ જૅકેટ
તૈયાર કરવામાં ૩૦થી ૪૦ ટકા પ્લાસ્ટિકની બૉટલનો પણ ઉપયોગ થયો છે.’ વડા પ્રધાને બિલ ગેટ્સને કહ્યું હતું કે ભારતની યુવા પેઢી ઇનોવેટિવ આઇડિયા દ્વારા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એનો ફાળો આપી શકે એ માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.