ઑપરેશન પૂરું થયા પછી કૃષ્ણાની તબિયત ખરાબ થવા લાગી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અખતરા કેટલા જીવલેણ હોય છે એ આ ઘટના પરથી સમજી શકાય એમ છે. બિહારના છપરામાં ખાનગી નર્સિંગ હોમના એક ડૉક્ટરે યુટ્યુબ પર વિડિયો જોઈને ૧૫ વર્ષના કિશોરનું ઑપરેશન કરી નાખ્યું. એમાં કિશોરનું મૃત્યુ થયું હતું. મઢૌરાના સરહદી ગામ ગડખા ધર્મબાગીના ખાનગી નર્સિંગ હોમમાં આ ઘટના બની હતી. ભુઆલપુર ગામના ૧૫ વર્ષના કૃષ્ણા કુમાર ઉર્ફ ગોલુ કુમારને પેટમાં દુખાવો ઊપડતાં નર્સિંગ હોમમાં દાખલ કર્યો હતો. અહીં ડૉક્ટરે મોબાઇલમાં યુટ્યુબ પર વિડિયો જોઈને ઑપરેશન કરી નાખ્યું. ઑપરેશન પૂરું થયા પછી કૃષ્ણાની તબિયત ખરાબ થવા લાગી હતી. એટલે ડૉક્ટરે એક માણસ સાથે કિશોરને તાત્કાલિક ઍમ્બ્યુલન્સમાં પટના મોકલ્યો, પણ રસ્તામાં જ કિશોર મૃત્યુ પામ્યો. કૃષ્ણાના મૃત્યુથી પરિવારમાં રોષ ફેલાયો છે અને મૃતદેહ લઈને નર્સિંગ હોમ પહોંચીને હોબાળો કર્યો હતો. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

