ઉત્તર પ્રદેશમાં યુવકને સરકારી નોકરી નહોતી એટલે કન્યાએ લગ્નની ના પાડી એટલે જાનને લીલા તોરણે પાછા ફરવું પડ્યું હતું. આ ઘટના સરકારી નોકરીનું મહત્ત્વ કેટલું છે એનું દૃષ્ટાંત આપે છે.
અજબગજબ
શિક્ષક અમિત
ઉત્તર પ્રદેશમાં યુવકને સરકારી નોકરી નહોતી એટલે કન્યાએ લગ્નની ના પાડી એટલે જાનને લીલા તોરણે પાછા ફરવું પડ્યું હતું. આ ઘટના સરકારી નોકરીનું મહત્ત્વ કેટલું છે એનું દૃષ્ટાંત આપે છે. જોકે બિહારમાં આનાથી તદ્દન વિપરીત ઘટના બની છે. સરકારી સ્કૂલના શિક્ષકને પગાર બહુ ઓછો મળતો હોવાથી તેને ઝોમાટોમાં ડિલિવરી બૉયની પાર્ટટાઇમ નોકરી કરવાની ફરજ પડી છે. શિક્ષક અમિત ભાગલપુર જિલ્લાની બાબુપુર સ્કૂલમાં દિવસે વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણનો વિષય ભણાવે છે અને સાંજે પાંચથી રાતે ૧ વાગ્યા સુધી ઝોમાટોમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. ટીચર અમિતે કહ્યું કે સ્કૂલમાં માત્ર ૮૦૦૦ રૂપિયા પગાર મળે છે અને આટલા ટૂંકા પગારમાં પૂરું થતું નથી એટલે નિ:સહાય થઈ ગયો હોઉં એવું લાગે છે. એ પછી તેણે ૪ મહિનાથી પાર્ટટાઇમ નોકરી શરૂ કરી છે. અમિતે ૨૦૧૯માં પરીક્ષા આપી હતી અને ફેબ્રુઆરી ૨૦૨૦માં પરિણામ આવ્યું એમાં ૧૦૦માંથી ૭૪ માર્ક આવ્યા હતા. એ પછી સિલેક્શન પણ થઈ ગયું હતું. તેણે કહ્યું કે ‘સરકારી નોકરી મળી એટલે મને અને પરિવારને સંતોષ થયો અને આર્થિક સ્થિતિ સારી થઈ જશે એવું અમે વિચારતા હતા. હું પહેલાં ખાનગી સ્કૂલમાં નોકરી કરતો હતો પણ કોવિડકાળમાં નોકરી છૂટી ગઈ. એ પછી અઢી વર્ષે સરકારી નોકરી મળી પણ પગાર માત્ર ૮ હજાર રૂપિયા જ છે. સ્કૂલની નોકરીને પાર્ટટાઇમ જાહેર કરી દેવામાં આવી. શરૂઆતમાં બાળકોને સ્પોર્ટ્સ માટે પ્રેરણા આપતો હતો, પણ અઢી વર્ષ પછી પણ સરકારે પગાર નથી વધાર્યો કે એલિજિબિલિટી ટેસ્ટ પણ નથી લેવાતી. જૂના શિક્ષકોને ૪૨,૦૦૦ રૂપિયાનો પગાર મળે છે અને મને હજી પણ ૮ હજાર જ મળે છે.’
આર્થિક કટોકટી સંદર્ભે તેણે કહ્યું કે ‘ફેબ્રુઆરીથી ૪ મહિના સુધી પગાર મળ્યો જ નહોતો એટલે ઘર ચલાવવા માટે મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા. દેવું પણ ધીરે-ધીરે વધતું ગયું હતું. એ પછી પત્નીના કહેવાથી પાર્ટટાઇમ કામ શોધવાનું શરૂ કર્યું. એમાં ઇન્ટરનેટ પરથી જાણ્યું કે ફૂડ ડિલિવરી બૉયનું કામ કરી શકાય. એમાં સમયની કોઈ મર્યાદા નથી હોતી અને મેં એ કામ શરૂ કર્યું.’