પાઘડી હોય કે ચશ્માં, ફોન હોય કે જૂતાં પ્રેમસિંહની દરેક એક્સેસરીઝ પર સોનું છે અને વીંટી, કડું, ગળામાં ભારેખમ સોનાનાં નેકલેસ જેવાં ઘરેણાં તો ખરાં જ
અજબગજબ
પ્રેમ સિંહ
ગોલ્ડપ્રેમી સંગીતકાર બપ્પી લાહિરીને પણ ટક્કર મારે એવો સોનાપ્રેમી યુવાન બિહારમાં છે. બિહારના ભોજપુર જિલ્લામાં રહેતા પ્રેમ સિંહના શરીર પર કપડાં ઓછાં અને સોનાનાં ઘરેણાં ઝાઝાં જોવા મળે છે. પાઘડી હોય કે ચશ્માં, ફોન હોય કે જૂતાં પ્રેમસિંહની દરેક એક્સેસરીઝ પર સોનું છે અને વીંટી, કડું, ગળામાં ભારેખમ સોનાનાં નેકલેસ જેવાં ઘરેણાં તો ખરાં જ. બધું મળીને તેના શરીર પર લગભગ પાંચ કિલો અને ૨૦૦ ગ્રામ જેટલું સોનું હોય છે.
તાજેતરમાં ભાઈએ પોતાની બાઇકને પણ સોનાથી મઢવાનું શરૂ કરી દીધું છે. વ્યવસાયે જમીનદાર પ્રેમ સિંહે દસેક વર્ષ પહેલાં શરીરે સોનું પહેરવાની શરૂઆત કરી ત્યારે ૫૦ ગ્રામથી શરૂ કરેલું સોનું હવે પાંચ કિલો ૨૦૦ ગ્રામ પર પહોંચી ગયું છે. પ્રેમ સિંહને હજી વધુ સોનું શરીર પર પહેરવું છે અને ટાર્ગેટ છે આઠથી નવ કિલોનો. પોતાની મોટા ભાગની કમાણી સોના પર જ ખર્ચીને તે આ ટાર્ગેટ અચીવ કરવા માગે છે. ભાઈને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની કોઈ ચિંતા નથી કેમ કે તેમનું કહેવું છે કે બધી જ ચીજોનો તેની પાસે હિસાબ છે. જોકે સોનાની સેફ્ટી માટે ભાઈને ઘરની બહાર નીકળતી વખતે ચાર બૉડીગાર્ડની જરૂર પડે છે.