બૅન્ગલોરનો યુવક તેના ભત્રીજા સાથે લિડો મૉલના મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં ગયો હતો. બન્નેએ ફ્રેન્ચ ફ્રાઇઝનો ઑર્ડર આપ્યો હતો, પણ બિલમાં ભૂલથી ‘મૅક્ફ્રાઇડ ચિકન બર્ગર’ લખેલું હતું અને એ મોંઘું હતું
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરનો યુવક તેના ભત્રીજા સાથે લિડો મૉલના મૅક્ડોનલ્ડ્સના આઉટલેટમાં ગયો હતો. બન્નેએ ફ્રેન્ચ ફ્રાઇઝનો ઑર્ડર આપ્યો હતો, પણ બિલમાં ભૂલથી ‘મૅક્ફ્રાઇડ ચિકન બર્ગર’ લખેલું હતું અને એ મોંઘું હતું. બિલ વાંચીને યુવક ભડક્યો અને શાકાહારી હોવા છતાં માંસાહારનું બિલ પકડાવી દીધું એવું કહીને બબાલ કરી નાખી. આઉટલેટના કર્મચારીઓએ તાત્કાલિક માફી માગી અને વળતર પેટે ૧૦૦ રૂપિયા પાછા આપવાનું કહ્યું તો પણ પેલો યુવક ન માન્યો અને છેવટે તેણે પોલીસ-ફરિયાદ નોંધાવી. મૅક્ડોનલ્ડ્સને મેઇલ કર્યો અને સૌથી છેલ્લે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કર્યો. એમાં યુવકે માનસિક ત્રાસ આપવા બદલ બે કરોડ રૂપિયાનો દાવો કર્યો. આઉટલેટ તરફથી કહેવાયું કે જે થયું એ ભૂલથી થયું છે અને ભૂલ સમજાઈ એટલે તરત સુધારી લેવાઈ હતી, માફી પણ માગી અને વળતર આપવાનું પણ કહ્યું. બન્નેની દલીલો સાંભળ્યા પછી ગ્રાહક કોર્ટે દાવો ફગાવી દીધો અને કહ્યું કે શાકાહારી ઑર્ડર મળ્યો હતો અને બિલિંગમાં ભૂલ થવાથી આહાર સંબંધી પ્રાથમિકતાને અસર ન થાય, આમાં કરોડો રૂપિયાનું વળતર માગવું એ બરાબર ન કહેવાય.