બેલ્જિયમના કેન્ટ શહેરની હિલ્ડે ડિસોની નામની પંચાવન વર્ષની મહિલાએ ૨૦૨૪ની પહેલી તારીખે એક અશક્ય ગણાય એવો વિક્રમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું
અજબગજબ
હિલ્ડે ડિસોની
બેલ્જિયમના કેન્ટ શહેરની હિલ્ડે ડિસોની નામની પંચાવન વર્ષની મહિલાએ ૨૦૨૪ની પહેલી તારીખે એક અશક્ય ગણાય એવો વિક્રમ બનાવવાનું બીડું ઝડપ્યું હતું જે તેણે સાકાર કરી બતાવ્યું. હિલ્ડે વર્ષોથી રનિંગનું જબરદસ્ત પૅશન ધરાવે છે અને અલ્ટ્રા-રનર તરીકે તે અનેક અઘરી ગણાતી મૅરથૉન દોડી ચૂકી છે. ૨૦૨૪ની પહેલી તારીખે તેણે આખા વર્ષ દરમ્યાન દરરોજ એક મૅરથૉન દોડવાનો સંકલ્પ લીધો હતો. યસ, આખા વર્ષમાં રોજેરોજ એક પણ દિવસ પાડ્યા વિના રોજ ૪૨.૫ કિલોમીટરની મૅરથૉન દોડવાની. અનેક પડકાર અને સંઘર્ષોનો સામનો કરીને હિલ્ડેએ ૩૧ ડિસેમ્બરે એ અશક્ય લાગતો ટાસ્ક પૂરો કર્યો હતો. ૨૦૨૪નું વર્ષ લીપ યર હોવાથી ૩૬૬ દિવસ હતા અને હિલ્ડેએ રોજ ૪૨.૫ કિલોમીટર લેખે કુલ ૧૫,૪૪૪ કિલોમીટરનું રનિંગ કર્યું હતું.
હિલ્ડેની આ ચૅલેન્જમાં તેને બેલ્જિયમની રનિંગ કમ્યુનિટીનો ખૂબ સાથ મળ્યો હતો. રોજ મૅરથૉન દોડવાનું શરૂ કરતી ત્યારે તેની સાથે દોડવા માટે ડઝનબંધ લોકો જોડાઈ જતા હતા. ક્યારેક ખૂબ ખરાબ વેધર હોય ત્યારે દોડવાનું તો ઠીક, ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ હોય ત્યારે પણ હિલ્ડે દોડવા નીકળી પડતી. હિલ્ડેનું કહેવું છે કે ‘શારીરિક રીતે તો આ પડકારજનક હતું જ, પણ વધુ મુશ્કેલ મેન્ટલ સ્ટૅમિના હતો. એક સ્ટેજ પછી શરીર એટલું થાકી ગયેલું કે રોજ સવારે ઊઠીને જાતને સ્ટાર્ટ-લાઇન પર ઊભી કરીને દોડવાનું શરૂ કરવું એ જ મોટો પડકાર હતો.’
ADVERTISEMENT
એક વર્ષના આ મિશન થકી હિલ્ડેએ ૬૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૫૪ લાખ રૂપિયાનું ફન્ડ ભેગું કર્યું હતું જે બ્રેસ્ટ-કૅન્સરના સંશોધન અને સારવાર માટે વાપરવામાં આવશે.