કબાડમાંથી તેયાર કરવામાં આવેલી આ બાઇક જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી દોડી શકે છે અને એના પર આસાનીથી સાત લોકો બેસી શકે છે.
અસહદ અબ્દુલ્લાએ ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે સાત લોકો બેસી શકે એવી સોલર બાઇક બનાવી છે
આઝમગઢના ફખરુદ્દીનપુર ગામમાં રહેતા અને મેકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા અસહદ અબ્દુલ્લાએ ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે સાત લોકો બેસી શકે એવી સોલર બાઇક બનાવી છે અને આ બાઇક જોઈને બિગ બી અમિતાભ બચ્ચને પણ તારીફ કરીને એને લગતી એ પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે. કબાડમાંથી તેયાર કરવામાં આવેલી આ બાઇક જ્યાં સુધી સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી દોડી શકે છે અને એના પર આસાનીથી સાત લોકો બેસી શકે છે.
આ બાઇક વિશે જાણકારી આપતાં અસહદ અબદુલ્લાએ કહ્યું હતું કે બાઇક દ્વારા આશરે ૨૦૦ કિલોમીટરનું અંતર આસાનીથી કાપી શકાય છે, આ બાઇક બનાવવા માટે ભંગારમાં રહેલા સામાનનો ઉપયોગ કર્યો હતો, હું હજી આ બાઇકનું વધારે સારું મૉડલ તૈયાર કરીશ. અસહદે પહેલાં પાંચ-સીટર ઇલેક્ટ્રિક બાઇક બનાવી હતી અને એમાં બે સીટ જોડીને સેવન-સીટર સોલર બાઇક બનાવી છે. તેણે ત્રણ વર્ષ પહેલાં સિક્સ-સીટર ઇલેક્ટ્રિક બાઇક પણ બનાવી હતી. આ બાઇક ૧૦ રૂપિયામાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપી શકતી હતી. જોકે એની સ્પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. અસહદ વિવિધ સામાન બનાવવા માટે શોધખોળ કરતો રહે છે.

