મુખ્ય શહેરોથી દૂરના અંતરિયાળ વિસ્તારોમાં બેસિક સુવિધાઓની કમી હોય છે અને મેડિકલ ફૅસિલિટી એમાં સૌથી વધુ મહત્ત્વની હોવા છતાં એની ઊણપ હોય જ છે. ઑસ્ટ્રેલિયાનું જુલિયા ક્રીક નામનું ગામ આવી જ રીતે મેડિકલ ફૅસિલિટી માટે ટળવળી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મુખ્ય શહેરોથી દૂરના અંતરિયાળ વિસ્તારોમાં બેસિક સુવિધાઓની કમી હોય છે અને મેડિકલ ફૅસિલિટી એમાં સૌથી વધુ મહત્ત્વની હોવા છતાં એની ઊણપ હોય જ છે. ઑસ્ટ્રેલિયાનું જુલિયા ક્રીક નામનું ગામ આવી જ રીતે મેડિકલ ફૅસિલિટી માટે ટળવળી રહ્યું છે. તાજેતરમાં આ ગામે જાહેરાત કરી છે કે જુલિયા ક્રીકમાં આખા ગામ માટે ફુલ ટાઇમ એક ડૉક્ટર હાયર કરવાના છે અને એ માટે પૅકેજ હશે ૩.૬ કરોડ રૂપિયા. એમ છતાં તેમને કોઈ ડૉક્ટરની અરજી મળી નથી. ગામમાં માત્ર ૫૦૦ લોકો જ છે અને તેમની વચ્ચે એક ડૉક્ટર હાયર કરવાનો છે. એ માટે આટલી અધધધ રકમ ઑફર કરવા છતાં કોઈ તૈયાર થયું નથી. વાત એમ છે કે ગામના ડૉ. ઍડમ લાઉસે જૉબ છોડી દીધી છે અને તેમના ગયા પછી ગામ ડૉક્ટર વિનાનું થઈ જશે. સવાલ એ થાય કે આટલીબધી રકમ આપવા છતાં કોઈ તૈયાર કેમ નથી થતું? તો એનું કારણ છે ગામનું લોકેશન. આ ગામથી સૌથી નજીકના હૉસ્પિટલ ધરાવતા શહેર ટાઉન્સવિલ પહોંચવા માટે ૭ કલાકનું ડ્રાઇવિંગ કરવું પડે છે. આજુબાજુમાં પણ બીજાં કોઈ ગામો નથી. નાનકડી હૉસ્પિટલ ધરાવતું એક ગામ છે એ પણ ત્રણ કલાક ડ્રાઇવના અંતરે છે. એવામાં ગામના લોકોને કોઈ પણ નાનીમોટી તકલીફ થાય તો લોકલ ડૉક્ટર હોવો મસ્ટ છે. જોકે ગામની વસ્તી ખૂબ ઓછી હોવાથી ગામ આખું સૂમસામ રહે છે. કોઈ ડૉક્ટર આવા દૂરના એકલવાયા વિસ્તારમાં લાંબો સમય વિતાવવા તૈયાર નથી થતો. જે ડૉક્ટરો આવે છે તેઓ ૧૫-૨૦ દિવસ કે વધુમાં વધુ ત્રણ-ચાર મહિના માટે જ આવે છે. અત્યારે જે ડૉ. ઍડમ છે તે બે વર્ષથી ત્યાં હતા, પણ તેઓ પણ હવે જવાની તૈયારી કરી રહ્યા હોવાથી મોંમાગ્યા દામ આપીને ગામલોકો ડૉક્ટરને હાયર કરવા માગે છે.

