વિચિત્ર કેસમાં ૨૦ વર્ષની એક યુવતી ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં ટિન્ડર નામની ઍપ દ્વારા ૩૦ વર્ષના યુવકને મળી હતી. બન્ને ઑસ્ટ્રેલિયાનાં નહોતાં. એ યુવક ઇન્સ્ટાગ્રામ ઇનફ્લુએન્સર હતો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયાની એક કોર્ટે મહિલાના ‘ઇન્સ્ટાગ્રામ પ્રૅન્ક વેડિંગ’ને રદ કરી નાખ્યા હતા, કારણ કે કોર્ટે નોંધ્યું હતું કે આ લગ્ન અસલી હતાં, પણ એ રાજ્યાશ્રય મેળવવા માટે હતાં અને મહિલાને અંધારામાં રાખીને કરવામાં આવ્યાં હતાં. આ વિચિત્ર કેસમાં ૨૦ વર્ષની એક યુવતી ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં ટિન્ડર નામની ઍપ દ્વારા ૩૦ વર્ષના યુવકને મળી હતી. બન્ને ઑસ્ટ્રેલિયાનાં નહોતાં. એ યુવક ઇન્સ્ટાગ્રામ ઇનફ્લુએન્સર હતો. બન્ને મેલબર્નમાં મળ્યાં અને દોસ્તી થયા બાદ વારંવાર મળવા માંડ્યાં. ત્યાર બાદ યુવકે સિડની જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને તેઓ સિડની આવ્યાં હતાં. એ શહેરમાં યુવકે છોકરીને કહ્યું કે હું વાઇટ પાર્ટી આપું છું જેમાં મારા ફ્રેન્ડ્સ સફેદ કપડાં પહેરીને આવશે, તું પણ એવાં જ કપડાં પહેરીને આવજે. જોકે જ્યારે તે પાર્ટીમાં પહોંચી ત્યારે કોઈએ વાઇટ કપડાં નહોતાં પહેર્યાં. માણસે તેને કહ્યું કે હું મારા ફૉલોઅર્સ વધારવા તારી સાથે ઇન્સ્ટાગ્રામ પ્રૅન્ક વેડિંગ કરીશ અને એ માટે છોકરીએ હા પાડી. જોકે આ પ્રૅન્ક વેડિંગ બાદ આ માણસે તેને તેના રાજ્યાશ્રયના દસ્તાવેજ પર સહી કરવાનું કહ્યું. માણસે કહ્યું કે મારી અરજીમાં તું મારા પર આશ્રિત છે એવું લખ જેથી મને અહીંની નાગરિકતા મળી જશે, પણ એ માટે છોકરી તૈયાર નહોતી. યુવકે કહ્યું કે નાગરિકતા મળે એ માટે મેં લગ્ન કર્યાં હતાં. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ બાદ કોર્ટે આ લગ્ન રદ કર્યાં હતાં. કોર્ટે કહ્યું કે ‘કન્યા કોઈ પણ પ્રપોઝલ પર બે દિવસમાં હા પાડી દે એવું અવિશ્વસનીય લાગે છે. વળી છોકરી તરફથી કોઈ માણસ લગ્નમાં નહોતા આવ્યા અને તેણે મૅરેજનો ડ્રેસ પણ નહોતો પહેર્યો.’