યુરોપિયન સ્પેસ એજન્સીના જર્મન અવકાશયાત્રી ધરતી પર જે રીતે જૉગિંગ કરતા હોય એ પ્રમાણેનો અનુભવ અવકાશમાં મેળવવા માટે દોરડાનો ઉપયોગ કરતો જોવા મળે છે
Offbeat
સ્પૅસમાં વર્ક-આઉટ
તાજેતરમાં પૃથ્વીથી ૨૫૦ માઇલ ઉપર અવકાશમાં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં સવાર એક અવકાશયાત્રી ટ્રેડમિલ પર કઈ રીતે કસરત કરી શકાય એનો વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. યુરોપિયન સ્પેસ એજન્સીના જર્મન અવકાશયાત્રી ધરતી પર જે રીતે જૉગિંગ કરતા હોય એ પ્રમાણેનો અનુભવ અવકાશમાં મેળવવા માટે દોરડાનો ઉપયોગ કરતો જોવા મળે છે. અવકાશમાં ટ્રેડમિલને ટી-2 તરીકે ઓળખવામાં આવે છે. એને દીવાલ સાથે જોડવામાં આવી છે. અવકાશમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરેક અવકાશયાત્રીએ દિવસમાં બે કલાક કસરત કરવી ફરજિયાત છે. વળી કસરતને કારણે ગુરુત્વાકર્ષના અભાવને કારણે સ્નાયુ તથા હાડકાંને થતા નુકસાનને ઘટાડવામાં મદદ થાય છે. ગુરુત્વાકર્ષણના અભાવે માનવશરીર પર વિપરીત અસર પડે છે, જેને કારણે અવકાશયાત્રીના જીવનકાળમાં ત્રણ વર્ષનો ઘટાડો થાય છે. પરિણામે ભવિષ્યમાં જ્યારે લોકોને મંગળની યાત્રા પર લઈ જવામાં આવે ત્યારે શરીર પર થતી આ વિપરીત અસર બાધારૂપ બને છે.
બહાર પાડવામાં આવેલા વિડિયોમાં અવકાશયાત્રી પહેલાં એક હાથો પકડીને જાતને સ્થિર કરે છે. પછી પોતાના કમરમાં એક પટ્ટો બાંધે છે. પછી ધરતી પર દોડતો હોય એ રીતે એક જ સ્થળે ઊભો રહીને દોડે છે. આ વિડિયો તો ઘણો નાનો હતો, પરંતુ ખરેખર આવી પરિસ્થિતિમાં તેઓ ૩૦થી ૪૦ મિનિટ સુધી એક્સરસાઇઝ કરે છે. આ તમામ અવકાશયાત્રીઓ ૧૧ નવેમ્બરે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા. મહિના સુધી અવકાશમાં રહીને તેઓ એપ્રિલમાં ધરતી પર પાછા ફરશે.