કોર્ટમાં થયેલી કાર્યવાહી પ્રમાણે ૨૫ વર્ષના કુકે સાપ અને કરોળિયાના ભોજન તરીકે વપરાશમાં લેવામાં આવતા ૨૦ વાંદાને રસોડામાં છોડ્યા હતા
Offbeat News
રજાનો પગાર ન આપતાં નારાજ કુકે કિચનમાં છોડ્યા ૨૦ વાંદા
ઇંગ્લૅન્ડના લિન્કોલિનમાં આવેલા પબમાં ટોની વિલિયમ નામના રસોઈયાએ તેને રજાના દિવસનો પગાર ન આપતાં રાજીનામું આપી દીધું હતું. એના બે દિવસ બાદ પોતે જે રસોડામાં કામ કરતો હતો ત્યાં વાંદાઓને છોડતો સીસીટીવી કૅમેરાના ફુટેજમાં પકડાઈ ગયો હતો. વળી તેણે આવું કરવાની ધમકી પણ રેસ્ટોરાં છોડતાં પહેલાં આપી હતી. કોર્ટમાં થયેલી કાર્યવાહી પ્રમાણે ૨૫ વર્ષના કુકે સાપ અને કરોળિયાના ભોજન તરીકે વપરાશમાં લેવામાં આવતા ૨૦ વાંદાને રસોડામાં છોડ્યા હતા. પબના કર્મચારીઓએ તરત પેસ્ટ કન્ટ્રોલને બોલાવ્યા હતા અને સલામતી તથા સ્વાસ્થ્યના કારણસર પબ બંધ કરવાની ફરજ પડી હતી. એને કારણે પબને કુલ ૨૨,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૨૨ લાખ રૂપિયા)નું નુકસાન થયું હતું. વળી કર્મચારીઓ પર આની માનસિક અસર પણ પડી હતી. આમ પબને માત્ર આર્થિક નુકસાન જ નહોતું થયું, પરંતુ કિચનમાં કામ કરતી ટીમને માનસિક આઘાત પણ લાગ્યો હતો. કોર્ટે ૨૫ વર્ષના કુકને ૧૭ મહિનાની જેલની સજા ફટકારી છે.