આંધ્ર પ્રદેશમાં મહિલાએ સામાજિક સંસ્થા પાસેથી લાઇટ-પંખા માગેલાં
અજબગજબ
પાર્સલમાં ૧.૩ કરોડ રૂપિયાની ડિમાન્ડ સાથે ડેડ-બૉડી મળી
આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના એક ગામમાં નાગતુલસી નામની મહિલાને એક જાયન્ટ પાર્સલ મળ્યું હતું જે ખોલીને તે લિટરલી છળી મરી હતી. આ પાર્સલ તેને ક્ષત્રિય સેવા સમિતિ નામની સંસ્થા તરફથી મળ્યું હતું. નાગતુલસીએ પોતાનું ઘર બનાવવા માટે આ સંસ્થા પાસેથી નાણાકીય મદદ માગી હતી. એ પહેલાં તેને એ ઘર માટે ટાઇલ્સનું એક પાર્સલ ફ્રી મળ્યું હતું અને એ પછી તેણે એ સંસ્થાને લાઇટ, પંખા અને સ્વિચબોર્ડ આપવા માટે વિનંતી કરી હતી. સંસ્થા તરફથી તેને ખાતરી આપવામાં આવી હતી કે થોડા જ દિવસમાં એ પણ તમને મળી જશે. ગુરુવારે તેના ઘરે એક વ્યક્તિ ક્ષત્રિય સેવા સમિતિ તરફથી મોટું પાર્સલ આપી ગઈ અને કહ્યું કે આમાં તમે મગાવેલો સામાન છે. જોકે એ પાર્સલ ખોલતાં જ તેને એક મૃત પુરુષનું કોહવાઈ ગયેલું શરીર મળ્યું અને એની સાથે એક નોટ લખી હતી, જેમાં ૧.૩ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી હતી. મહિલાએ ફોન કરતાં તરત પોલીસ આવી પહોંચી હતી. પ્રાથમિક રિપોર્ટમાં ૪૫ વર્ષની આસપાસના પુરુષની ડેડ-બૉડી હોવાનું નોંધાયું છે અને એને સરકારી હૉસ્પિટલમાં ઑટૉપ્સી માટે મોકલી અપાઈ છે. અત્યારે પોલીસ આ પાર્સલની ડિલિવરી કરી ગયેલા માણસને શોધી રહી છે અને ક્ષત્રિય સેવા સમિતિના હોદ્દેદારોની પૂછપરછ કરશે.